પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ મંદિર ઉપર કટ્ટરપંથીઓનો હુમલો, ભગવાનની મૂર્તિ ખંડિત કરી
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ફરી એકવાર કટ્ટરપંથીઓ લધુમતીઓના ધાર્મિક સ્થળને નિશાન બનાવવામાં આવ્યાનું સામે આવ્યું છે. કરાચી શહેરના કોરંગી વિસ્તારમાં માતાજીના મંદિરમાં કટ્ટરપંથીઓએ તોડફોડ કરી હતી. આ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી હતી. આ ઘટનાને પગલે હિન્દુઓમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર 6 થી 8 લોકો મોટરસાઈકલ પર આવ્યા અને મંદિરમાં તોડફોડ કરી. આ બનાવને પગલે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. કોરંગીના એસએચઓ ફારૂક સંજરાણીએ જણાવ્યું હતું કે, “5 થી 6 અજાણ્યા લોકો મંદિરમાં પહોંચ્યા હતા અને તેની તોડફોડ કરી હતી.” પાકિસ્તાનમાં હિંદુ મંદિરો પર અવારનવાર હુમલા થયા છે. અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં સિંધુ નદીના કિનારે કોટરી સ્થિત ઐતિહાસિક મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, લોકો અડધી રાત્રે કોરંગી વિસ્તારમાં પહોંચ્યા અને મંદિરમાં તોડફોડ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કટ્ટરપંથીઓ દ્વારા અનેક મંદિરોમાં તોડફોડ કરીને ભગવાનની મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના સામે આવે છે. જો કે, પોલીસ દ્વારા આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.