લખનૌઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યાં છે. દરમિયાન આજે તેમણે મહારાજગંજમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, રાયબરેલી મારી બે માતાઓની કર્મભૂમિ છે એટલે હું અહીં ચૂંટણી લડવા આવ્યો છું. સોનિયાં ગાંધી અને ઈન્દિરા ગાંધીએ મારી રક્ષા કરી છે. રાયબરેલી સાથે અમારા પરિવારનો 100 વર્ષ જૂનો સંબંધ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણી ઈતિહાસમાં પ્રથમ ચૂંટણી છે જેમાં કોંગ્રેસ બંધારણની રક્ષા માટે લડી રહી છે. ભાજપા અને આરએસએસ બંધારણને ફાડીને ગરીબોના તમામ માર્ગો બંધ કરી દેશે. ભાજપા અને આરએસએસ બે ઉદ્યોગપતિની સરકાર બનાવવા જઈ રહ્યાં છે. આ બંને ઉદ્યોગપતિઓ માટે બંધારણનું અપમાન કરી રહ્યાં છે. પીએમ મોદીએ 10 વર્ષમાં 16 લાખ કરોડ રૂપિયા 22 અરબપતિઓને આપ્યાં છે. આ પૈસા 70 કરોડ લોકોની આવક જેટલી છે. અમારી સરકાર બનશે તો દર મહિને મહિલાઓના બેંક ખાતામાં રૂ. 8500 મોકલાશે. દર મહિનાની પ્રથમ તારીખે જ ખાતામાં જમા થઈ જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને બેરોજગાર બનાવ્યાં છે. ઈન્ડી ગઠબંધનની સરકાર બનશે તો દરેક યુવાનોને એપ્રિન્ટિસશિપ મળશે. આ રીતે પ્રથમ નોકરી પાકી થઈ જશે. પબ્લિક સેક્ટર તથા સરકારી વિભાગમાં અમારી સરકાર બનતાની સાથે જ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી દેવામાં આવશે. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક સાથે જોવા મળ્યાં હતા.