ઉત્તરપ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ છે. આ બેઠક પર માત્ર 3 વખત બિનકોંગ્રેસી ઉમેદવારને જીત મળી છે. આ બેઠક પર ગાંધી પરિવારનો દબદબો છે. ફિરોઝ ગાંધી, ઈન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીએ સસંસદમાં રાયબરેલીનું પ્રતિનિધિત્વ કર્યું છે. ગત 20 વર્ષોથી સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ છે.
ઉમેદવાર કોણ બનશે-
યુપીમાં ઈન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સામેલ છે. જ્યારે એનડીએમાં ભાજપ, અપનાદળ, એસબીએસપી, આરએલડી અને નિષાદ પાર્ટી સામેલ છે. રાયબરેલી લોકસભા બેઠક માટે હાલ કોઈપણ પક્ષે ઉમેદવાર જાહેર કર્યા નથી. જો કે માનવામાં આવે છે કે આ બેઠક પરથી ઈન્ડિયા ગઠબંધન તરફથી ગાંધી ફેમિલીના કોઈ સદસ્ય જ ઉમેદવાર હશે.
2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત –
રાયબરેલી લોકસભા બેઠક પરથી 2019માં સોનિયા ગાંધીને જીત મળી હતી. સોનિયા ગાંધીની વિરુદ્ધ ભાજપે દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ સોનિયા ગાંધીને 1 લાખ 67 હજાર વોટની સરસાઈથી જીત મળી હતી. સોનિયા ગાંધીને 55.08 ટકા એટલે કે 5 લાખ 34 હજાર 918 વોટ મળ્યા હતા. ભાજપના ઉમેદવાર દિનેશ સિંહને 38.36 ટકા એટલે કે 3 લાખ 67 હજાર 740 વોટ મળ્યા હતા.
2014માં સોનિયા ગાંધીએ ભાજપના ઉમેદવારને મોટા અંતરથી હરાવ્યા હતા. ભાજપના અજય અગ્રહવાલ સામે તેમણે જીત મેળવી હતી. સોનિયા ગાંધીને 63.80 ટકા અને ભાજપના ઉમેદવારને 21.05 ટકા વોટ મળ્યા હતા.
રાયબરેલી બેઠકનો ઈતિહાસ-
રાયબરેલી બેઠક પર પહેલી ચૂંટણી 1951-52માં યોજાઈ હતી. તેમાં કોંગ્રેસના ઉમેદવાર ફિરોઝ ગાંધીને જીત મળી હતી. 1957માં પણ ફિરોઝ ગાંધીને જીત મળી હતી. 1962માં કોંગ્રેસના આરપી સિંહ સાંસદ બન્યા હતા. 1967માં પેહલીવાર ઈન્દિરા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી અને જીત પ્રાપ્ત કરી હતી. 1971માં ઈન્દિરા ગાંધી અહીંથી સાંસદ હતા.
પરંતુ કટોકટી બાદની 1977માં લોકસભાની ચૂંટણીમાં ભારતીય લોકદળના રાજનાયારણ સિંહ સામે ઈન્દિરા ગાંધી ચૂંટણી હાર્યા હતા. 1980માં કોંગ્રેસ-આઈના ઉમેદવાર તરીકે ઈન્દિરા ગાંધીને જીત મળી હતી. 1984માં અહીંથી અરુણ કુમાર નહેરુને જીત મળી હતી. 1989 અને 1991માં કોંગ્રેસના શીલા કૌલને જીત મળી હતી.
1996માં ભાજપના અશોક સિંહને જીત મળી હતી. તેઓ 1998માં પણ ફરીથી અહીંથી જીત્યા હતા. 1999માં કોંગ્રેસના કેપ્ટન સતીષ શર્માએ અહીં જીત મેળવી હતી. 2004માં કોંગ્રેસે પહીલાવાર સોનિયા ગાંધીને અહીં ઉમેદવાર બનાવ્યા હતા અને તેમણે સમાજવાદી પાર્ટીના અશોક સિંહને હરાવીને જીત પ્રાપ્ત કરી હતી. 2006માં પેટાચૂંટણીમાં પણ સોનિયા ગાંધી જીત્યા હતા. બાદમાં 2009, 2014 અને 2019માં પણ સોનિયા ગાંધી રાયબરેલીથી કોંગ્રેનસા સાંસદ હતા.
ગાંધી પરિવારનો ગઢ-
રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ હોવાની સાથે તેની સૌથી મોટી ઓળખ ગાંધી પરિવાર સાથે જોડાયેલી છે. આ બેઠક પર ઈન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધી ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા. આ બેઠક માત્ર ત્રણ વખત બિનકોંગ્રેસી ઉમેદવારની પાસે ગઈ છે. કટોકટી બાદ 1977માં જનતા પાર્ટીના રાજનારાયણસિંહ અહીં જીત્યા હતા અને 1996 અને 1998માં બે વખત ભાજપના અશોક સિંહને જીત મળી હતી. આ સિવાય આ બેઠક માત્રને માત્ર કોંગ્રેસને જ મળી છે. આ બેઠક પર ઈન્દિરા ગાંધી 3 વખત, ફિરોઝ ગાંધી 2 વખત અને સોનિયા ગાંધીને 5 વખત જીત મળી છે.
બેઠકનું જાતિ સમીકરણ-
રાયબરેલી બેઠક પર બ્રાહ્મણ, રાજપૂત અને વૈશ્ય વોટર્સનો દબદબો છે. રાયબરેલી બેઠક પર 18 લાખ વોટર્સ છે. અનુમાન મુજપબ, બેઠક પર 11 ટકા બ્રાહ્મણ, 9 ટકા રાજપૂત, 7 ટકા યાદવ અને 34 ટકા અનુસૂચિત જાતિના વોટર્સ છે. લોધ 6 ટકા, કુર્મી 4 ટકા સિવાય ઓબીસી વોટર્સ 23 ટકા છે. આ બેઠક પર મુસ્લિમ મતદાતાઓની સંખ્યા 6 ટકા છે.
વિધાનસભા બેઠકોનું ગણિત-
રાયબેરીલ લોકસભા બેઠક હેઠળ 5 વિધાનસભા મતક્ષેત્ર છે. તેમાં બછરાવાં, હરચંદપુર, રાયબેરીલ, સરેની અને ઉંચાહાર સામેલ છે. 3 વિધાનસભા બેઠકો પર ભાજપ અને બે વિધાનસભા બેઠકો પર સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે. ભાજપના ખાતાવાળી બછરાવાંથી શ્યામસુંદર, રાયબરેલીથી અદિતિસિંહ અને ઉંચાહારથી મનોજ પાંડે જીત્યા હતા. જ્યારે હરચંદપુરથી સમાજવાદી પાર્ટીના રાહુલ રાજપૂત અને સરેનીથી દેવેન્દ્રપ્રતાપ સિંહને જીત મળી હતી.