ચેન્નાઈના આકાશમાં રાફેલ અને સુખોઈએ બતાવી પોતાની તાકાત, એરફોર્સના એર શોમાં જોવા મળ્યો અદભૂત નજારો
92મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે, ભારતીય વાયુસેનાએ આજે તમિલનાડુમાં ચેન્નાઈ મરિના એરફિલ્ડ ખાતે એર એડવેન્ચર શોનું આયોજન કર્યું હતું. 21 વર્ષમાં પ્રથમ વખત ચેન્નાઈએ એરફોર્સ ડેની ઉજવણીનું આયોજન કર્યું. આ વખતે સમારોહ પહેલા કરતા વધુ ભવ્ય બની રહ્યો છે. આ પ્રસંગે, મરિના બીચ પર અદભૂત એર શો દ્વારા ભારતીય વાયુસેના લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
ભારતીય વાયુસેનાના 72 વિમાનોએ ઉડાન ભરી
વાયુસેનાના જણાવ્યા અનુસાર, પૂર્વ કિનારે મરિના બીચ પર આયોજિત થનારા ભવ્ય એર શોમાં ભાગ લેવા માટે ભારતીય વાયુસેનાના 72 વિમાનો સુલુર, તંજાવુર, તાંબરમ, અરક્કોનમ અને બેંગલુરુથી ઉડાન ભરી હતી. આ એર શોમાં ભારતનું ગૌરવ કહેવાતા સ્વદેશી બનાવટના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસની સાથે રાફેલ, MiG-29 અને Sukhoi-30 MKI જેવા આધુનિક લડાકુ વિમાનોએ પણ ફ્લાયપાસ્ટમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત સૂર્ય કિરણ એરોબેટિક્સ ટીમ અને સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમે પણ તેમના એરિયલ સ્ટંટ બતાવ્યા હતા. વધુમાં, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ MK4 પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત નેવીના P8I અને વિન્ટેજ ડાકોટાએ પણ ફ્લાયપાસ્ટમાં ભાગ લીધો હતો.
મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન રાફેલ અને સુખોઈનું પરાક્રમ જોવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સાથે જ હજારો-લાખો લોકો આ સમારોહનો આનંદ માણવા પહોંચ્યા હતા. એટલું જ નહીં દિવ્યાંગોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંઘે 8 ઓક્ટોબરે યોજાનાર 92માં વાયુસેના દિવસ પહેલા મરિના બીચ ખાતે આયોજિત એર શોની મુલાકાત લીધી હતી. તમિલનાડુના ડેપ્યુટી સીએમ ઉધયનિધિ સ્ટાલિન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એર શો દરમિયાન મરિના બીચ પર ભારતીય વાયુસેનાના ગરુડ કમાન્ડોએ તેમની તાકાત અને શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું.
એરફોર્સ આજે લિમ્કા રેકોર્ડ બનાવશે
ભારતીય વાયુસેના પણ આજે ચેન્નાઈના મરિના બીચ ખાતે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવાનો પ્રયાસ કરશે. સવારે 11 વાગ્યાથી શરૂ થનારા બે કલાકના એરશોમાં લગભગ 15 લાખ દર્શકો આવવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં, એરફોર્સને આશા છે કે એર શોમાં આટલી મોટી સંખ્યામાં દર્શકોની ભાગીદારીના કારણે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવીને ઇતિહાસ રચાશે. આ કાર્યક્રમમાં હવાઈ કસરતો ઉપરાંત સાગર, આકાશ, એરોહેડ, ત્રિશુલ, રુદ્ર અને ધ્વજ જેવી રચનાઓ પણ બતાવવામાં આવશે.
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય વાયુસેના વિવિધ શહેરોમાં વાયુસેના દિવસની ઉજવણીનું આયોજન કરી રહી છે. ગયા વર્ષે આ કાર્યક્રમ પ્રયાગરાજમાં અને તેના એક વર્ષ પહેલા ચંદીગઢમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ વર્ષે ચેન્નાઈમાં ઈવેન્ટનું આયોજન કરવાનો એરફોર્સનો પ્રયાસ આ શોને લોકોની નજીક લાવવાનો છે, જેથી વધુને વધુ લોકો દેશની હવાઈ ક્ષમતાના સાક્ષી બની શકે.