- પરેડમાં પહેલીવાર સામેલ થશે રાફેલ વિમાન
- ભારતીય વાયુ સેનાએ આ અંગે આપી જાણકારી
- પરેડમાં કુલ 42 વિમાન ફ્લાઇટ પાસ્ટનો હશે ભાગ
દિલ્લી: રાફેલ લડાકુ વિમાન 26 જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ કરવામાં આવશે. અને ફલાયપાસ્ટનું સમાપન આ વિમાનના ‘વર્ટિકલ ચાર્લી ફાર્મેશન’ માં ઉડાન ભરવાથી થશે. ભારતીય વાયુસેના દ્વારા સોમવારે આ માહિતી આપવામાં આવી છે. ‘વર્ટિકલ ચાર્લી ફાર્મેશન’માં વિમાન ઓછી ઉંચાઈએ ઉડાન ભરે છે, સીધા ઉપર જાય છે, ત્યારબાદ કલાબાજી દેખાડતા ફરી એકવાર ઉંચાઈએ સ્થિર થાય છે.
વિંગ કમાન્ડર ઈન્દ્રાનિલ નંદીએ કહ્યું કે, ફલાયપાસ્ટનું સમાપન એક રાફેલ વિમાન દ્વારા ‘વર્ટિકલ ચાર્લી ફાર્મેશન’થી થશે. તેમણે કહ્યું કે, 26 જાન્યુઆરીના ફલાયપાસ્ટમાં વાયુસેનામાં કુલ 38 વિમાન અને ભારતીય થલ સેનાના ચાર વિમાન સામેલ થશે.
પરેડ દરમિયાન કુલ 42 વિમાન ફ્લાઇટ પાસ્ટનો ભાગ હશે. રાફેલ ઉપરાંત સુખોઈ -30, મિગ -29, જગુઆર અને અન્ય ઘણા વિમાનોનું પ્રદર્શન કરવામાં આવશે. ચિનૂક ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર, અપાચે કોમ્બેટ હેલિકોપ્ટર સી 130 જે ટ્રાન્સપોર્ટ વિમાન પણ સામેલ થશે. આ દરમિયાન તેજસ, એસ્ટ્રા મિસાઇલો અને રોહિણી સર્વેલાંસ રડારનું પણ પ્રદર્શન કરવામાં આવશે. ચિનૂક હેલિકોપ્ટર અમેરિકામાં બનેલું છે. અને તેને વર્ષ 2019 માં વાયુસેનામાં સામેલ કરાયું હતું. ભારત પાસે 4 ચિનૂક હેલિકોપ્ટર છે.
મોદી સરકારે બ્રિટિશ વડાપ્રધાન બોરીસ જોનસને આ વખતે પ્રજાસત્તાક દિનની ઉજવણીના પ્રસંગે મુખ્ય અતિથિ માટે આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ પણ જોનસને સ્વીકાર્યું હતું, પરંતુ કોરોનાના નવા સ્ટ્રેઇન બાદ તેણે ભારત પ્રવાસ રદ કર્યો. આ સંદર્ભમાં તેમણે જાતે પીએમ મોદીને ફોન કરીને જાણ કરી હતી.
-દેવાંશી