ગાંધીનગરઃ ગુજરાત એસટી નિગમ દ્વારા કરકસરના ભાગરૂપે એસટી બસમાં ડિઝલનો ઓછો વપરાશ થાય એટલે કે એસટી બસ વધુ એવરેજ આપે તેવી રીતે ચલાવવા બસ ડ્રાઈવરોને અવાર-નવાર સુચનાઓ આપવામાં આવતી હોય છે. જે રૂટ્સ પર એસટી બસ દ્વારા સૌથી વધુ એવરેજ મેળવે તેવા ડ્રાઈવરોને પ્રોત્સાહકરૂપે ઈનામો પણ આપવામાં આવતા હોય છે. જ્યારે જે બસ દ્વારા ઓછી એવરેજ મળતી હોય તેવા ડ્રાઈવરોને સજા કે દંડ કરવાના નિર્ણય સામે ડ્રાઈવરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ડ્રાઈવરોના કહેવા મુજબ જે એસટી બસને કિલો મીટર પુરા થઈ ગયા હોય અથવા તો એન્જિનમાં કોઈ ખામી હોય તો બસ એવરેજ આપતી નથી. અને ડિઝલનો વધુ વપરાશ થતો હોય છે. એટલે ડ્રાઈવરોને દોષિત ગણવા ન જોઈએ.
એસ ટી નિગમના જુદા જુદા વિભાગમાં જુદી જુદી રીતે કિલો મીટર પર લિટર (કેએમપીએલ) ઓછું લાવવા બદલ ડ્રાઇવરોને દંડ અથવા સજાની કાર્યવાહી કરવામાં આવતા ડ્રાઈવરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. નિગમના ટાટા, લેલન્ડ તથા અન્ય મેકરના વાહનો હોવાથી કંપની તરફથી પ્રતિ કિલોમીટરે આટલી એવરેજ આપશે તેવો કોઇ જ આદેશ કરવામાં આવ્યો નથી. ત્યારે આ રીતે ડ્રાઇવરોને દંડ કે સજાની કાર્યવાહી નહી કરવાની માંગણી સાથે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશને એસ ટી નિગમના મુખ્ય યાંત્રિક ઇજનેરને રજૂઆત કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એસટી નિગમ દ્વારા અંદાજે આઠ હજારથી વધુ એસટી બસો રોડ પર દોડી રહી છે. એસટી બસો ટાટા, લેલન્ડ તેમજ અન્ય કંપનીની બનાવટની છે. તેમ છતાં એસ ટી નિગમના જુદા જુદા વિભાગ દ્વારા જુદી જુદી નીતિ-રીતિથી કે.એમ.પી.એલ. મામલે દંડ કે સજા ડ્રાઇવરોને કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. એસ ટી નિગમના વાહનો જે કંપનીના છે તેમના દ્વારા પ્રતિ લીટર ડીઝલે કેટલા કિલોમીટર વાહન ચાલશે તેવી કોઇ જ સુચના કે આદેશ કંપની દ્વારા કરવામાં આવ્યો નથી. તેમ છતાં ડ્રાઇવરોને દંડ કે સજા કરવામાં આવતા ડ્રાઈવરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, એસ ટી નિગમના અલગ અલગ વિભાગ દ્વારા કે.એમ.પી.એલ.ના મામલે ઉપરોક્ત કોઇ જ બાબતોને ધ્યાનમાં લીધા વિના જ દંડ કે સજાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આથી વિભાગના વડાઓ દ્વારા પોલિસી નક્કી કરીને પરિપત્ર બહાર પાડીને કર્મચારીઓને સમજ આપવામાં આવે તેવી પણ માંગણી સાથે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશને એસ ટી નિગમના મુખ્ય યાંત્રીક ઇજનેરને લેખિત રજુઆત કરી છે.