ઉપવાસ પર બેઠેલા આંધ્રના સીએમ ચંદ્રાબાબુ નાયડુને મળ્યા રાહુલ ગાંધી, પીએમ મોદી જ્યાં જાય છે ત્યા જૂઠ્ઠું બોલતા હોવાનો કર્યો દાવો
ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા અને રાજ્ય પુનર્ગઠન અધિનિયમ-2014 હેઠળ કેન્દ્ર સરકાર માટે કરવામાં આવેલા વાયદાને પૂર્ણ કરવાની માગણીને લઈને ભૂખ હડતાલ કરી રહ્યા છે.
આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માગણીને લઈને ટીડીપીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ રાજધાની નવી દિલ્હીમાં એક દિવસના ઉપવાસ પર બેઠા છે. તેમણે સોમવારે સવારે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી અને બાદમાં તેઓ આંધ્રભવનમાં ઉપવાસ પર બેઠા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાના મુદ્દા પર નાયડુને સમર્થન આપવા માટે આંધ્રભવન ખાતે પહોંચ્યા હતા અને તેમણે મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ સાથે મુલાકાત કરી હતી.
આંધ્રભવન ખાતે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ ક્હ્યુ હતુ કે આજે તેઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધ દેખાવ કરવા અહીં આવ્યા છે. ધરણાના એક દિવસ પહેલા વડાપ્રધાન મોદી ગુંટૂર આવ્યા હતા. તેઓ પુછવા માંગે છે કે તેની જરૂરિયાત શું હતી?
તેની સાથે જ તેમણે વડાપ્રધાન મોદીને ધમકી ભરેલા લહેજામાં કહ્યુ હતુ કે જો તમે અમારી માગણી નહીં માનો, તો અમને તે મનાવતા આવડે છે. આ આંધ્રપ્રદેશના લોકોના સ્વાભિમાનનો મામલો છે. જ્યારે પણ તેઓ અમારા સ્વાભિમાન પર હુમલો કરશે, અમે તેને સહન કરીશું નહીં. નાયડુએ કહ્યુ છે કે તેઓ આ સરકાર ખાસ કરીને પીએમ મોદીને ચેતવણી આપી રહ્યા છે કે તેઓ વ્યક્તિગત હુમલા બંધ કરે.
ચંદ્રાબાબુ નાયડુને સાથ આપવા માટે આંધ્રભવન પહોંચેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તેઓ આંધ્રપ્રદેશના લોકોની સાથે ઉભા છે. તેઓ ક્યાં પ્રકારની વડાપ્રધાન છે? તેમણે આંધ્રપ્રદેશના લોકોને કરેલા વાયદાને પૂર્ણ કર્યા નથી. મોદી કોઈપણ ઠેકાણે જાય છે, તો ખોટું બોલે છે. પીએમ મોદીની કોઈ વિશ્વસનીયતા બચી નથી.
મહત્વપૂર્ણ છે કે ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા અને રાજ્ય પુનર્ગઠન અધિનિયમ-2014 હેઠલ કેન્દ્ર માટે કરવામાં આવેલા વાયદાને પૂર્ણ કરવાની માગણીને લઈને આ એક દિવસીય ભૂખ હડતાલ કરી રહ્યા છે. નાયડુની આ ભૂખ હડતાલ સોમવારે સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રે આઠ વાગ્યા સુધી આંધ્ર ભવન ખાતે ચાલુ રહેશે. મંગળવારે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને તેમને એક આવેદનપત્ર પણ સોંપવાના છે.
મહત્વપૂર્ણ છે કે ટીડીપી એક સમયે એનડીએનો હિસ્સો રહ્યું હતું. ટીડીપીએ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાના મામલે 2018માં કેન્દ્ર સરકારને આપેલો ટોકો પાછો ખેંચીને એનડીએ સાથેથી પણ છેડો ફાડયો હતો. નાયડુ 2014માં થયેલા રાજ્યના વિભાજનમાં આંધ્રપ્રદેશની સાથે અન્યાય થયાની વાત કરતા રહે છે.