Site icon Revoi.in

દેશના ટોચના ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન, લાંબા સમયથી કેન્સરથી પીડિતા હતા

Social Share

નવી દિલ્હીઃ બજાજના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું આજે પુણેમાં નિધન થયું છે, તેઓ 83 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી કેન્સરથી પિડાતા હતા. રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિઓએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમનો જન્મ 10મી જૂન 1938માં કોલકતાના બિઝનેશમેન કમલનયન બજાજ અને સાવિત્રી બજાજના ઘરે થયો હતો. બજાજ અને નહેરુ પરિવારમાં ત્રણ પેઢીઓથી મિત્રતા ભર્યા સંબંધો છે. રાહુલ બજાજના પિતા કમલનયન અને ઈન્દિરા ગાંધી એક સાથે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.

રાહુલ બજાજએ વર્ષ 1965માં બજાજ ગ્રુપની જવાબદારી સંભાળી હતી. તેમની આગેવાનીમાં બજાજ ઓટોનું ટર્નઓવર 7.2 કરોડથી 12 હજાર કરોડ સુધી પહોંચ્યું અને સ્કુટર વેચતી દુનિયાની મોટી કંપની બની ગઈ હતી. 2005માં રાહુલ બજાજએ દિકરા રાજીવને કંપનીની કમાન સોંપવાનું શરૂ કર્યું હતું. તે સમયે રાજીવને બજાજ ઓટોના મેનેજિંગ ડાયરેક્ટર બનાવાયા હતા. જે બાદ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં કંપનીએ પ્રોડક્સની માંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં વધી હતી.

દેશમાં ટુ-વ્હીલર બ્રાન્ડ બજાજના યાયા આઝાદીની લડાઈ સાથે જોડાયેલા છે. જમનાલાલ બજાજ (1889-1942) પોતાના યુગમાં યશસ્વી ઉદ્યોગપતિ હતા. તેમણે આઝાદીની લડાઈમાં પણ ભાગ લીધો હતો. આઝાદીની લડાઈ દરમિયાન તેઓ મહાત્મા ગાંધીના ભામાશાહ હતા. 1926માં તેમણે ટ્રેડિંગ કરવા માટે ગોદ લેનાર શેઠ વછરાજના નામ ઉપર એક ફર્મ બનાવી વછરાજ એન્ડ કંપની. 1942માં 53 વર્ષની ઉંમરે તેમનું નિધન થયા બાદ તેમના જમાઈ રામેશ્વર નેવટિયા અને બે પુત્રો કમલનયન અને રામકૃષ્ણ બજાજએ વછરાજ ટ્રેડિંગ કોર્પોરેશનની સ્થાપના કરી હતી.

1948માં આ કંપનીએ આયાતિત કોમ્પોનેટસથી એસેમ્બલ્ડ ટુ-વ્હીલર અને થ્રી વ્હીલર લોન્ચ કર્યું હતું. પહેલા બજાજ વેસ્પા સ્કૂટર ગુડગાંવના એક ગેરેજ શેડમાં બન્યું હતું. જે બાદ વછરાજ ટ્રેડિંગ કોર્પોરેશનએ કુર્લામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવ્યો જે બાદ આકુરડીમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. અહીં ફિરોદિયાઝની ભાગીદાગીમાં બજાજ પરિવારે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહન બનાવવા માટે અલગ-અલગ પ્લાન્ટ ઉભા કર્યાં હતા. 1960માં કંપનીનું નામ બજાજ ઓટો કરાયું હતું. રાહુલ બજાજ અને ફિરોદિયા પરિવાર વચ્ચે વ્યવસાયના વિભાજનને લઈને વિવાદ થયો હતો. સપ્ટેમ્બર 1968માં લાંબી કાનૂની લડાઈ પછી ફિરોદિયાઝને બજાજ ટેમ્પો મળ્યો અને રાહુલ બજાજ બજાજ ઓટોના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર બન્યાં હતા.