મોદીજી ઓબીસીમાં નહીં, પણ જનરલ કાસ્ટમાં જન્મ્યા હતા: રાહુલ ગાંધી
નવી દિલ્હી: શું લોકસભાની ચૂંટણી ઓબીસીના મુદ્દા પર લડાવાની છે? ઓબીસી સંદર્ભેની નિવેદનબાજીમાં હવે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિને લઈને ટીપ્પણી કરી છે. રાહુલ ગાંધીન દાવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી નથી.
ઓડિશાના જારસુગુડામાં વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન મોટો દાવો કર્યો છે. રાહુલ ગાંધીનો દાવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ જનરલ કાસ્ટમાં થયો હતો.
રાહુલ ગાંધીએ પોતાના દાવાને લઈને ટીપ્પણી કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ ઓબીસી કેટેગરીમાં થયો ન હતો. તેઓ ગુજરાતની તૈલી જ્ઞાતિમાં જન્મ્યા હતા. આ જ્ઞાતિને ભાજપ દ્વારા 2000માં ઓબીસીનો ટેગ અપાયો હતો. તેઓ જનરલ કાસ્ટમાં જન્મ્યા હતા અને તેઓ પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય પણ કાસ્ટ સેન્સસ થવા દેશે નહીં, કારણ કે તેઓ ઓબીસીમાં જન્મ્યા ન હતા, તેઓ જનરલ કાસ્ટમાં જન્મ્યા હતા.
રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી નવીન પટનાયકના નેતૃત્વવાળા બીજૂ જનતાદળને પણ નિશાને લીધું હતું. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે ભાજપ અને બીજેડીનું આદિવાસીઓ તરફનું વલણ પણ સરખું છે.
તેમણે કહ્યુ છે કે બીજેપી અને બીજેડી વચ્ચેનો ફરક માત્ર પી અને ડીનો છે. બાકીનું બધું સરખું છે ઓડિશામાં આદિવાસીઓની જમીન છીનવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.