દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને સંસદની સદસ્યતા ફરી મળી ચૂકી છે ત્યારે હવે સરકારી બંગલો પણ તેમને પાછો મળ્યો છે ઘર પાછુ મળતા તેમણે નિવેદન આપ્યું હતુ કે આખુ હિન્દુસ્તાન મારુ ઘર છે.
સુપ્રીમ કોર્ટે 2019ના “મોદી સરનેમ” માનહાનિ કેસમાં તેમની દોષિત ઠરાવવામાં રોક લગાવ્યા બાદ રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. તે જ સમયે, સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભાની હાઉસિંગ કમિટીએ રાહુલ ગાંધીને તેમનો જૂનો 12, તુગલક લેન બંગલો ફાળવ્યો છે.ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીનું સભ્યપદ પુનઃસ્થાપિત થયા બાદ મંગળવારે તેમને જૂનું સરકારી આવાસ ફાળવવામાં આવ્યું છે.
જો કે હાલ સુપ્રીમ કોર્ટમાંથી રાહુલને મળેલી રાહત તાત્કાલિક છે. કોર્ટે કેસને ફગાવી દીધો ન હતો, પરંતુ સજા પર સ્ટે મૂક્યો હતો. હવે આ કેસમાં નવેસરથી સુનાવણી થશે. જો ઉપરી અદાલત પણ આ કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવે તો રાહુલને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. બીજી તરફ રાહુલ જો કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર થાય અથવા બે વર્ષથી ઓછી સજા થાય તો ચૂંટણી લડી શકશે.
આ દરમિયાન રાહુલ ગાંધી આસામ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક માટે AICC હેડક્વાર્ટર પહોંચ્યા હતા. જ્યારે કોંગ્રેસ સાંસદને તેમનું સત્તાવાર નિવાસસ્થાન પાછું મેળવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આખુ હિન્દુસ્તાન જ મારુ ઘર છે.