નવી દિલ્હીઃ અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. રાહુલ ગાંધીના આ નિવેદનના ઘેરા પડઘા ભારતમાં પડ્યાં છે. ભાજપના સિનિયર નેતાઓએ રાહુલ ગાંધીને આડેહાથ લઈને આકરા પ્રહાર કર્યાં હતા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાહુલ ગાંધી દરેક વિદેશ પ્રવાસમાં ભારતનું અપમાન થાય છે. આ વખતની પ્રાયોજિત વિદેશ યાત્રા પણ એ જ દિશામાં છે, તેઓ દેશનું અપમાન કરતાં અચકાતા નથી. તેમણે વધુમાં કહ્યું કે, જો તમે અગાઉના ભાષણો પણ જુઓ તો તેઓ ભારતને એક રાષ્ટ્ર જ માનતા નથી, તેઓ ભારતને રાજ્યોનું સંઘ કહે છે. એટલું જ નહીં તેઓ સતત પ્રગતિ કરી રહેલા ભારતની કાર્યપ્રણાલી ઉપર સવાલ ઉઠાવી રહ્યાં છે.
ઠાકુરે રાહુલ પર સવાલોનો મારો ચલાવ્યો અને પૂછ્યું કે, તેમની મુલાકાતનો હેતુ શું છે. વિદેશ પ્રવાસ કરીને તે શું પ્રાપ્ત કરવા માંગે છે? કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાહુલ જ્યારે પણ વિદેશ પ્રવાસે ગયા છે ત્યારે તમે ફરક જોઈ શકો છો, તેમણે ભારત અને દેશવાસીઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જો હું કહું કે રાહુલ ભારતની પ્રગતિ અને પ્રતિષ્ઠાને તોડી પાડવાનું કામ સતત કરી રહ્યા છે. બીજી તરફ પીએમ મોદીની યાત્રા પર નજર નાખો. PM તેમની તાજેતરની વિદેશ મુલાકાતો દરમિયાન લગભગ 24 PM અને વિશ્વના રાષ્ટ્રપતિઓને મળ્યા છે અને 50 થી વધુ બેઠકો કરી છે. ઘણા વિદેશ મંત્રીઓ તેમને લોકપ્રિય નેતા તરીકે વર્ણવે છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમએ કહ્યું હતું કે પીએમ મોદી બોસ છે. તેમણે કહ્યું કે કદાચ આ વાત રાહુલને પચી નહીં હોય, તેથી તેઓ વિદેશમાં તેમનું અપમાન કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, રાહુલે તેમના વિદેશ પ્રવાસ પર કહ્યું હતું કે 80ના દાયકામાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે દલિતો પર અત્યાચાર થતો હતો. અનુરાગ ઠાકુરે કહ્યું કે કદાચ રાહુલ આ જ કહેવા માગતા હતા કે તેમની સરકારમાં માત્ર દલિતો પર અત્યાચાર થઈ રહ્યો હતો, જ્યારે આજે સૌનો વિકાસ, દરેકનો વિશ્વાસ અને દરેકના પ્રયાસો આ મૂળ મંત્ર સાથે આગળ વધી રહ્યા છે.