રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા, આ 2 લોકસભા સીટ પર ચૂંટણી લડવાની તૈયારી
નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા છે. ન્યૂઝ 18ના અહેવાલ પ્રમાણે, સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે વાયનાડથી લોકસભા ચૂંટણી લડશે નહીં તેવી ચર્ચા છે.
રિપોર્ટ મુજબ, 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડશે.
સૂત્રો મુજબ, રાહુલ ગાંધી કર્ણાટક અથવા તેલંગાણાની કોઈ એક બેઠક અને ઉત્તરપ્રદેશની કોઈ અન્ય બેઠક પરથી ચૂંટણીમાં ઉભા રહે તેવી શક્યતા છે.
મહત્વપૂર્ણ છે કે વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણી 4 લાખથી વધુ વોટથી જીતી હતી. કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 2019માં અમેઠીથી હરાવ્યા હતા. ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની 55 હજારથી વધુ વોટથી વિજયી બન્યા હતા.
રાહુલ ગાંધીને લઈને આ ખબર સામે આવી છે, જ્યારે કેરળમાં સત્તારુઢ ડાબેરી લોકતાંત્રિક મોરચા એટલે કે એલડીએફમાં સામેલ સીપીઆઈએ લોકસભા ચૂંટણી માટે ચાર બેઠકો પર પોતાના ઉમેદવારોની ઘોષણા કરી છે. સીપીઆઈ, એલડીએફનું બીજું મોટું ઘટકદળ છે. પાર્ટીએ વરિષ્ઠ નેતા એની રાજાને વાયનાડથી ઉમેદવાર બનાવ્યા છે. સીપીઆઈના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પન્નિયન રવિન્દ્રનને તિરુવનંતપુરમથી ટિકિટ આપવામાં આવી છે. આ બેઠકનું પ્રતિનિધિત્વ હાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુર કરી રહ્યા છે. સીપીઆઈએ પૂર્વ કૃષિ મંત્રી વી. એશ. સુનિલ કુમાર અને પાર્ટીના યુવા એકમ ઓલ ઈન્ડિયા યૂથ ફેડરેશનના નેતા સી. એ. અરુણ કુમારને અનુક્રમે ત્રિશૂર અને મવેલીક્કારાથી ઉમેદવાર બનાવ્યા છે.
કેરળ પર ભાજપ પણ કરી રહ્યું છે ધ્યાન કેન્દ્રીત
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 માસથી પણ ઓછા સમયમાં કેરળની ત્રીજી વખતે મુલાકાત કરવાના છે. આને લઈને કેરળમાં ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધ્યો છે. કેરળમાં ભાજપને ચૂંટણી જીતવામાં ભૂતકાળમાં પડકારોનો સામનો કરવો પડયો છે. લગભગ એક વર્ષ પહેલા મોદી કેરળમાં સત્તા પ્રાપ્ત કરવાની આકાંક્ષા પોતાની પાર્ટીની સામે રજૂ કરી હતી. પીએમ મોદી સત્તાવાર કાર્યક્રમ માટે મંગળવારે કેરળની રાજધાની તિરુવનંતપુરમ પહોંચવાના છે. જ્યાં તેઓ ભાજપના પ્રદેશ એકમ તરફથી આયોજીત પદયાત્રા સમારંભમાં પણ ભાગ લેશે.ભાજપ આ દક્ષિણી રાજ્યમાં લોકસભાની કેટલીક બેઠકો પર જીતની આશા કરી રહી છે. સીપીએમ અને કોંગ્રેસનો દાવો છે કે આ દક્ષિણી રાજ્યમાં કમળ નહીં ખિલે.