કોંગ્રસ દ્વારા 10મી મેના રોજ દાહોદમાં યોજાનારા આદિવાસી સંમેલનમાં રાહુલ ગાંધી હાજરી આપશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ અને કોંગ્રેસ સહિત આપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યાં છે. રવિવારે જ ગુજરાતના સ્થાપના દિવસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હતા, ત્યારે હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી 10મી મેના રોજ રાહુલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. દાહોદમાં કોંગ્રેસ દ્વારા યોજાનારા આદિવાસી સંમેલનને રાહુલ ગાંધી સંબોધશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ દ્વારા અગાઉ મેના પ્રથમ સપ્તાહમાં આદિવાસી સંમેલન યોજવાનું નક્કી કર્યું હતું પરંતુ રાહુલ ગાંધી વિદેશના પ્રવાસે જતા આદિવાસી સંમેલનની તારીખમાં ફેરફોર કર્યો હતો. હવે દાહોદ ખાતે 10મી મેના રોજ આદિવાસી સંમેલન યોજાશે. કોંગ્રેસ દ્વારા એકાદ-બે દિવસમાં સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાશે. રાહુલ વડોદરા આવીને ત્યાંથી સીધા દાહોદ જશે. હાલમાં કોંગ્રેસના નેતાના આ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને આગામી એક-બે દિવસમાં તેમનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
ગુજરાતના રાજકારણમાં આદિવાસી મતોનું પણ સારૂએવું પ્રભુત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં આદિવાસી સંમેલનને સંબોધન કર્યું હતું. ત્યારબાદ 1લીમેના રોજ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલે પણ ભરૂચ ખાતે આદિવાસી સંમેલનને સંબોધન કર્યું હતું. આદિવાસી બેઠકો જીતવા માટે આમ આદમી પાર્ટીએ બીટીપી સાથે ગઠબંધન કર્યુ છે. જ્યારે ભાજપે પણ એડીચોટીનું જોર લગાવ્યું છે. અને કોંગ્રેસ પણ આદિવાસીઓ સમજના મતો અંકે કરવાના પ્રયાસો કરી રહી છે.