લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠી બેઠક ઉપરથી ચૂંટણી લડશેઃ ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ
નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની પરંપરાગત અમેઠી બેઠક ઉપરથી ફરીથી ચૂંટણી લડશે તેમ ઉત્તરપ્રદેશના કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયએ કહ્યું હતું. રાહુલ ગાંધી હાલ દક્ષિણ ભારતની વાયનાડના સાંસદ છે. તેમજ બદનક્ષી કેસનો સામનો કરી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભાની અમેઠી બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક માનવામાં આવે છે, પરંતુ વર્ષ 2019ની ચૂંટણીમાં અમેઠી લોકસભા સીટ પરથી રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીએ હરાવ્યા હતા. સંજય ગાંધી, પૂર્વ પીએમ રાજીવ ગાંધી, સોનિયા ગાંધી પણ આ બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા છે. આ સિવાય રાહુલ ગાંધી અમેઠી લોકસભા સીટથી સતત ત્રણ વખત સાંસદ પણ રહી ચુક્યા છે. હાલમાં રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી સંસદસભ્ય છે, રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીમાં સીપીઆઈના પીપી સુનીરને લાખો મતોના માર્જિનથી હરાવ્યા હતા.
વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ તથા કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ રણનીતિ તૈયાર કરી છે. ભાજપની આગેવાનીમાં એનડીએ ફરી એકવાર મજબુત બન્યું છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષો પણ એક છત નીચે એકત્ર થઈ રહ્યાં છે. તેમજ I-N-D-I-A નામનું એક સંગઠન બનાવ્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજય રાયએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે. તેમજ અજય રાયે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.