નવી દિલ્હીઃ આગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે મણિપુરથી મુંબઈ સુધી ભારત ન્યાય યાત્રાની તૈયારીઓ કરી રહ્યાં છે. આગામી 14મી જાન્યુઆરીએ કોંગ્રેસ પાર્ટીની ભારત ન્યાય યાત્રા શરુ થશે. રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી યાત્રામાં જોડાશે. રિપોર્ટ અનુસાર, કોંગ્રેસે આ આયોજનમાં પાર્ટીના સિનિયર નેતાઓને સાથે પ્રદેશ કોંગ્રેસના તમામ તેનાઓ પણ જોડાશે.
પાર્ટી કાર્યક્રમ સાથે જોડાયેલા રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાની જેમ જ જનસંપર્કની કવાયત કરી રહ્યાં છે. પૂર્વોત્તર ભારતીય પ્રદેશ મણિપુરથી 14મી જાન્યુઆરીએ શરુ થનારી પદયાત્રા 20મી માર્ચે ખતમ થશે. કોંગ્રેસ મહાસચિવ વેણુગોપાલએ જણાવ્યું કે, યાત્રા દરમિયાન યુવાનો, મહિલાઓ અને વંચિત લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, આ પહેલા અનેક રાજ્યમાંથી પસાર થયેલી ભારત જોડો પદયાત્રાને પગલે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાસે યાત્રાને લઈને સારો અનુભવ છે. ભારત ન્યાય યાત્રા 6200 કિમીનું અંતર કાપશે. મણિપુરથી શરુઆત બાદ કોંગ્રેસ નેતાઓ નાગાલેન્ડ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી પસાર થશે. જે બાદ આ યાત્રા મહારાષ્ટ્ર પહોંચશે અને મુંબઈમાં 20મી માર્ચના રોજ યાત્રાનું સમાપન થશે.
મણિપુરમાંથી યાત્રાની શરુઆતને કોંગ્રેસની રાજનીતિનું મહત્વનું પગલુ માનવામાં આવી રહ્યું છે. આ વર્ષે મે મહિના બાદ અવાર-નવાર મણિપુરમાં હિંસાની ઘટના બની છે જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યાં હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મણિપુર ગયા હતા, એટલું જ મણિપુર મામલો સંસદમાં પણ ગુંજ્યો હતો.
(PHOTO-FILE)