રાહુલ ગાંધી આજે અમદાવાદમાં ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજી પદયાત્રાનો પ્રારંભ કરાવશે
અમદાવાદઃ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે 5મી સપ્ટેમ્બરે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે બપોરે ૨.૩૦ કલાકે પ્રાર્થના સભા યોજશે અને બાપુના આશીર્વાદ લઈને ભારત જોડો પદયાત્રાનો પ્રારંભ કરાવશે. આ અગાઉ સવારે 11 કલાકે રિવરફ્ન્ટ પર ‘પરિવર્તન સંકલ્પ બૂથ સ્તરીય સંમેલન’માં બૂથના કાર્યકરોને સંબોધન કરશે. રાહુલ ગાંધી સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ જોડાશે એમ, કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતુ.
પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડો. શર્માએ રાજ્યની ભાજપ સરકાર પર આકરાં પ્રહાર કરતા જણાવ્યું કે, ડબલ એન્જિન સરકારની જાહેરાતો કરતી ભાજપ સરકારનું ગુજરાતનું એન્જિન ચાર વર્ષમાં બગડી ગયું છે અને દિલ્હીનું એન્જિન ક્યાં સુધી ગુજરાતના એન્જિનને ધક્કો મારશે? 2022ની ચૂંટણીમાં એક એન્જિન નીકળી જશે અને 2024ની લોકસભા ચૂંટણીમાં બીજું એન્જિન પણ નીકળી જશે. કોંગ્રેસના સમગ્ર રાજ્યના બૂથ સ્તરીય કાર્યકરોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ 125 બેઠકનો લક્ષ્યાંક પ્રાપ્ત કરશે તેવો દાવો કરતા તેમણે ઉમેર્યું કે, રાજ્યના 52 હજાર બૂથના યોદ્ધાઓ ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર છે.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગમે તેટલીવાર ગુજરાત આવે, પરંતુ મુકાબલો તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ રહેશે,. ગુજરાતની ચૂંટણી બાદ AAP ગુજરાતમાંથી ખોવાઈ જશે. તેમણે દાવો કર્યો હતો કે, સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણીમાં પરિવર્તનના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરશે. મહેસાણામાં સાત હજાર મતદારોની યાદીમાં ગોટાળો જોવા મળ્યો છે ત્યારે કોંગ્રેસ તમામ 182 બેઠકની મતદાર યાદી ચકાસશે એમ જણાવી તેમણે ઉમેર્યું કે, દરેક બેઠકમાં આશરે 10 હજાર બોગસ મતદારો છે. આ બોગસ મતદારોના નામ રદ કરવા કોંગ્રેસ રસ્તા ઉપર અને કાનૂની લડાઈ લડશે.
દરમિયાન વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસની કેન્દ્રીત અને પ્રદેશની સ્ક્રિનીંગ કમિટીની બેઠક આજે પાંચમી સપ્ટેમ્બરે અમદાવાદમાં યોજાઈ રહી છે. આ બેઠકમાં કોંગ્રેસ જે બેઠકો પર સતત હારતી હોય, જે બેઠક પર એક જ દાવેદાર હોય, સિટીંગ ધારાસભ્ય હોય તેવી બેઠકોના ઉમેદવારોની યાદી તૈયાર કરીને કોંગ્રેસ હાઈકમાન્ડને સુપરત કરશે. 15મી સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાની જાહેરાત કરાઈ છે.