અમદાવાદઃ રાહુલ ગાંધીજીની “ભારત જોડો ન્યાય યાત્રા” 7મી માર્ચે બપોરે 3 વાગ્યે દાહોદના ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 8 માર્ચના રોજ સવારના દાહોદ બસ સ્ટેન્ડ પાસેથી પદયાત્રા શરૂ થશે. “ભારત જોડો ન્યાય યાત્રા”ની તૈયારીનાં ભાગરૂપે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી અને રાજ્યસભા સાંસદ મુકુંલ વાસનીક બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત બેઠકમાં વાસનીકએ જણાયું હતું કે, ગુજરાત કોંગ્રેસનાં તમામ જિલ્લામાંથી આગેવાન- પદાધિકારીઓ સાથે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ માટેના સંકલન માટેની ચર્ચા કરી સ્થાનિક આગેવાનોને, સેલ – ફ્રન્ટલ પ્રદેશ પદાધિકારીઓ અને લોકસભા પ્રભારીઓને જુદા જુદા વિસ્તારો માટે જવાબદારી આપવામાં આવી છે. ગુજરાતનાં કોંગ્રેસ આગેવાન-કાર્યકરોમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને આવકારવા સમગ્ર યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં જોડાશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જણાવ્યું હતું કે, ગુજરાતમાં “ભારત જોડો ન્યાય યાત્રા” ની તૈયારીના ભાગરૂપે જવાબદારી સોપણી સહિતી વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા દાહોદના ઝાલોદ થી શરુ થઈને તાપી જીલ્લા થઈ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. ગુજરાતની જનતા લાંબા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો, ખેડૂતો, નાના વેપારીઓ, રોજગારી ઈચ્છતા યુવાનો, પૂરતો પગાર ઈચ્છતા ફીક્સ પગારના કર્મચારીઓ, જૂની પેન્શન યોજનાની માંગણી કરતા સરકારી કર્મચારીઓ, આઉટસોર્સીંગ દ્વારા થતા શોષણને દૂર કરીને નિયમિત નોકરી ઈચ્છતા કર્મચારીઓ, ખેતમજૂરો અને પશુપાલકોની મુશ્કેલીઓ સહીત સામાજિક – આર્થિક ન્યાય માટે “ભારત જોડો ન્યાય યાત્રા” દરમ્યાન વાચા આપવામાં આવશે. ભયમુક્ત થઈ રહેલા ભાજપના ભ્રષ્ટાચારને કારણે નવા જ બનેલા બ્રીજ તૂટે છે, નકલી સરકારી કચેરીઓ દ્વારા લોકહિતના કરોડો રૂપિયાની ઉચાપતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ તૂટી પડી છે, સરકારી નોકરીઓના પેપરો સતત ફૂટે છે અને તેના મૂળ ક્યાંકને ક્યાંક ભાજપના નેતાઓમાં નીકળતા દેખાઈ રહ્યા છે. આ બધી જ સમસ્યાઓને રાહુલ ગાંધીજીની “ભારત જોડો ન્યાય યાત્રા”માં ઉજાગર કરીને લોકોની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવામાં આવશે.
ગુજરાતમાં “ભારત જોડો ન્યાય યાત્રા”ની તૈયારીના ભાગરૂપે જવાબદારી સોપણી સહિતી વિસ્તૃત આયોજનના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાતના પ્રભારીશ્રી મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખો, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, એ.આઈ.સી.સી.ના મંત્રી ઉષા નાયડુજી, રામકિશન ઓઝાજી, સંદીપજી, સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ પ્રદેશ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પદાધિકારીઓ – કાર્યકર્તાઓને ભારત જોડો ન્યાય યાત્રાના લોગોના સ્ટીકર, કાર સ્ટીકર અને ‘ભારત જોડો ન્યાય યાત્રા’નું વાર્ષિક કેલેન્ડર આપવામાં આવ્યું હતું.