Site icon Revoi.in

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી દક્ષિણ ભારતના 5 રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ વધારે મજબુત બની

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીએ પ્રજાનો વિશ્વાસ ફરીથી જીતવા માટે ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. આ યાત્રાની શરૂઆત દક્ષિણ ભારતથી થઈ હતી. દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાંથી પસાર થઈને આ યાત્રા હવે ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે. હવે ઉત્તરભારતમાં આ યાત્રાને કેવો સહયોગ મળે તેની ઉપર રાજકીયનેતાઓની નજર મંડાયેલી છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં આ યાત્રાને મળેલા જોરદાર પ્રતિસાદથી કોંગ્રેસના સિનિયર નેતાઓને વિશ્વાસ છે કે, દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ વધારે મજબુત બનશે.

કન્યાકુમારીથી કાશ્મીર સુધી લગભગ 3579 કિમીની ભારત જોડો યાત્રા રાહુલ ગાંધી 170 દિવસમાં પૂરી કરશે. આ યાત્રાને લઈને ભાજપ અને કોંગ્રેસ મુદ્દે રાજકીય જંગ સર્જાયો છે. ભાજપાએ યાત્રાની શરૂઆત સમયે તેને ઢોંગ ગણાવ્યો હતો. જ્યારે રાહુલ ગાંધીને આને તપસ્યા ગણાવી હતી. ચાર રાજ્યોમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસ ફરીથી નવા જોશ અને જુસ્સા સાથે આગળ વધવાની કોશિષ કરી રહ્યું છે. તેમજ ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને અનેક ગણી આશાઓ વધી ગઈ છે. તમિલનાડુમાં દ્રવિડ આંદોલનથી સ્થાનિક પક્ષો વધારે મજબતુ બન્યાં હતા. વર્ષ 1967માં કોંગ્રેસે સત્તા ગુમાવી હતી અને ત્યાર બાદ અહીં સત્તામાં દ્રવિડ પક્ષોનો દબદબો રહ્યો છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના આરંભ સાથે 7મી સપ્ટેમ્બરના રોજ તમિલનાડુ સીએમ એમકે સ્ટાલિનએ રાહુલ ગાંધીને તિરંગો પકડાવીને સંકેત આપ્યો હતો કે ડીએમકે વગર કોંગ્રેસ તમિલનાડુમાં કંઈ જ નથી. રાહુલ ગાંધીએ શ્રીપેરંબદુરમાં પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને પોતાની યાત્રાની શરૂઆત કરી હતી. જો કે, તમિલનાડુમાં રાહુલ ગાંધીની યાત્રાની સાથે જ અનેક યુવાઓ સહિતના આગેવાનો યાત્રામાં જોડાયા હતા. જેથી સ્થાનિક રાજકીય પક્ષોની સાથે નેશનલ પાર્ટીના નેતાઓ પણ રાહુલ ગાંધીને તમિલનાડુમાં મળેલા સમર્થનથી ચોંકી ઉઠ્યાં હતા. તેમજ તમિલનાડુના કોંગ્રેસના નેતાઓને હવે માની રહ્યાં છે કે, કોંગ્રેસની આ યાત્રાથી તમિલનાડુને જોરદાર ફાયદો મળશે.

કેરલમાં આ યાત્રાના પ્રવેશ સાથે સત્તાધારી પાર્ટીએ ભારત જોડો યાત્રાની સામે સવાલ ઉભા કર્યાં હતા અને કહ્યું હતું કે, આ ભારત જોડો નહીં પરંતુ કોંગ્રેસ જોડો યાત્રા છે. કેરલના નેતા કેસી વેણુગોપાલ, કે સુરેશ, રમેશ ચેન્નિથલા પણ યા6માં જોડાયાં હતા. આ યાત્રાઓમાં જોડાયેલા લોકોનો અંદાજ જોઈને દક્ષિણ ભારતના રાજકીય પક્ષો ચોંકી ઉઠ્યાં હતા. ઠેર-ઠેર નાના બાળકોથી લઈને મોટેરા અને મહિલા અને યુવાઓ મોટી સંખ્યામાં રાહુલ ગાંધીને આવકારવા ફોટા અને વીડિયો સામે આવતા રાજકીય નેતાઓ ચોંકી ઉઠ્યાં હતા. બીજી તરફ રાહુલ ગાંધી પણ સુરક્ષાઓના ઘેરા તોડીને પ્રજાને મળતા હતા. તેમજ કેરલમાં યાત્રાના રૂટ ઉપર મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા ઉમટી પડ્યાં હતા.

કોંગ્રેસની આ યાત્રા કર્ણાટકમાં પ્રવેશતાની સાથે જ તમામ રાજકીય પક્ષના નેતાઓને પરસેવા છુટી જાય તેવો પ્રતિસાદ મળ્યો હતો એટલું જ નહીં ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીએ લોકોને સંબોંધન કર્યું હતું. બીજી તરફ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો પણ ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીને સાંભળવા બેઠા રહ્યાં હતા. આ સભાના વીડિયો અને ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતા. રાહુલ ગાંધીની યાત્રા આંધ્રપ્રદેશ અને તેલંગાણામાંથી પસાર થઈ હતી. આ ત્રણેય રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. સ્થાનિક રીત રિવાજ અને પરંપરાગત રીતે ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં રાહુલ ગાંધી પણ તેમની સાથે જોડાયા હતા અને તેમના પરંપરાગત નૃત્યમાં પણ જોડાયાં હતા. આ ઉપરાંત તેઓ બાળકો અને મહિલાઓને મળીને તેમને સાંભળ્યાં હતા.

આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરલ, તમિલનાડુ, તેલંગાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરી મળીને દક્ષિણ ભારતમાં લોકસભાની 130 જેટલી બેઠકો છે. કુલ 543 બેઠકો પૈકી 24 ટકા બેઠકો દક્ષિણ ભારતની છે અને ગત ચૂંટણીમાં માત્ર 29 બેઠકો જ મળી હતી. જો કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને પગલે કોંગ્રેસના કાર્યકરો અને તેનાઓમાં નવો ઉત્સાહનો સંચાર થયો છે અને લોકોના મળી રહેલા જોરદાર પ્રતિસાદથી કોંગ્રેસને નવુ જીતદાન મળવાની આશા જોવા મળી છે એટલું જ નહીં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાને પગલે બેઠકો વધવાની શકયતાઓ રાજકીય તજજ્ઞોએ વ્યક્ત કરી છે.