લોકસભામાં રાહુલ ગાંધીએ ભાષણમાં હિંદુઓ મામલે કરેલી ટીપ્પણી રેકોર્ડમાંથી હટાવાઈ
નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં કરેલા સંબોધનમાં કરેલી ઘણી ટિપ્પણીઓ રેકોર્ડમાંથી હટાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં હિન્દુઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS વિશે ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જેઓ પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા-હિંસા, નફરત-દ્વેષમાં વ્યસ્ત રહે છે. પીએમ મોદીએ પણ રાહુલ ગાંધીના આ નિવેદન પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે, સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે.
રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા તરીકે પ્રથમ ભાષણ આપ્યું હતું. ભાજપ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જેઓ પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા, નફરત અને જૂઠ બોલતા રહે છે. તેઓ બિલકુલ હિંદુ નથી. હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે, વ્યક્તિએ સત્યની સાથે ઊભા રહેવું જોઈએ અને સત્યથી ક્યારેય પીછેહઠ ન કરવી જોઈએ. અહિંસા ફેલાવવી જોઈએ. જ્યારે પીએમ મોદીએ રાહુલના નિવેદન પર વાંધો ઉઠાવ્યો ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં ભાજપને હિંસક કહ્યું છે, નરેન્દ્ર મોદી સંપૂર્ણ હિન્દુ સમાજ નથી. ભાજપ સમગ્ર હિન્દુ સમાજ નથી. આરએસએસ એ સમગ્ર હિન્દુ સમાજ નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાહુલ ગાંધીની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ‘આટલું મોટું કૃત્ય અવાજ કરીને છુપાવી શકાય નહીં. વિપક્ષી નેતાએ કહ્યું કે, જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ હિંસા કરે છે. તેઓ કદાચ જાણતા નથી કે કરોડો લોકો ગર્વથી પોતાને હિંદુ કહે છે, શું તેઓ બધા હિંસા કરે છે? હિંસાની ભાવનાને કોઈપણ ધર્મ સાથે જોડવી ખોટું છે અને તેમણે (રાહુલ ગાંધી) માફી માંગવી જોઈએ.