Site icon Revoi.in

પબમાં ઉપસ્થિતિનો રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો નેપાળના એક પબનો હોવાનું મનાઈ રહ્યું છે. આ વીડિયોને પગલે રાજકીય માહોલ ગરમાયું છે અને ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસે વીડિયો મુદ્દે રાહલ ગાંધીનો બચાવ કર્યો છે અને તેઓ એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યાં છે. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં રાહુલ ગાંધીની સાથે એક ચાઈનીઝ યુવતી પણ જોવા મળે છે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમંત્રણ વિના નવાઝ શરીફની કેક કાપવા ગયા હતા. તેમ રાહુલ ગાંધી નથી ગયા, તેઓ એક ખાનગી લગ્ન સમારંભ માટે મિત્ર દેશ નેપાળ ગયા છે. તેઓ એક પત્રકાર મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયા છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે વીડિયોમાં દેખાતી યુવતી ચીનની છે. આ આરોપના જવાબમાં સુરજેવાલાએ કહ્યું છે કે, પરિવાર અને મિત્રો સાથે લગ્ન સમારોહમાં ભાગ લેવો એ દેશના કાયદામાં ગુનો નથી. લગ્નમાં જોડાવું એ આજ સુધી ગુનો નથી. કદાચ કાલથી તે ગુનો બની જશે કારણ કે સંઘને ગૃહસ્થ જીવન પસંદ નથી.

રાહુલ ગાંધીના વીડિયો પર સ્પષ્ટતા કર્યા બાદ કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપ પર સવાલોનો મારો ચલાવ્યો હતો. સુરજેવાલાએ કહ્યું કે ભાજપ વાસ્તવિક મુદ્દાઓના જવાબ કેમ નથી આપતી ? કોલસાના અભાવે દેશમાં વીજળી નથી, રોજગાર નથી, તમારો એક મિત્ર સૌથી અમીર વ્યક્તિ બની ગયો છે. તમે આ બધા મુદ્દાઓનો જવાબ કેમ નથી આપતા?

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ મોદી સરકાર પર LIC વેચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મોદી સરકાર એલઆઈસીને વેચી રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. એલઆઈસીનું સૂત્ર જીવન સાથે છે, જીવન પછી પણ. તો પછી મોદી સરકાર તેને ફાયર સેલમાં કેમ વેચી રહી છે. તેમણે કહ્યું કે એલઆઈસીની વાસ્તવિક કિંમત સરકાર દ્વારા નિર્ધારિત કિંમત કરતા ઘણી વધારે છે. શા માટે તેનું ઓછું મૂલ્યાંકન કરવામાં આવ્યું? તેનાથી 120 કરોડ લોકોને સીધી અસર થશે. તેમણે કહ્યું કે અક્ષય તૃતીયાના દિવસે તેઓ કંઈ નવું શરૂ નથી કરી રહ્યા પરંતુ એલઆઈસીને વેચી રહ્યા છે.