Site icon Revoi.in

રાજકોટમાં વીજળી ચોરી સામે દરોડા, બે દિવસમાં રૂપિયા 41.78 લાખની વીજચોરી પકડાઈ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીને કારણે લાઈન લોસ વધી રહ્યો છે. આથી પીજીવીસીએલની ટીમે છેલ્લા બે દિવસથી રાજકોટ શહેરમાં ચેકિંગ ઝૂબેશ આદરી છે. છેલ્લા બે દિવસમાં 41.78 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. PGVCLના અધિકારીઓએ શહેરના 3 સબ વીજ ડિવિઝનમાં ચેકિંગ બાદ બીજા દિવસે કોઠારીયા રોડ અને મોરબી રોડ પર વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 894 વીજ મીટર તપાસવામાં આવ્યા હતા અને તેમાંથી 70 મીટરમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું હતું જેથી 21.24 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં પીજીવીસીએલના 3 સબ ડિવિઝન વિસ્તારમાં વીજ ચેકિંગ કરાયુ હતું. જેમાં પીજીવીસીએલની એક સાથે 39 ટીમ ત્રાટકી હતી અને ખોખળદડ, વાવડી તેમજ મવડી રોડ સબ ડિવિઝનમાં દરોડા પાડી અલગ અલગ વીજ મીટર ચેક કરવામાં આવ્યા હતા અને તેમાં 20.54 લાખની વીજ ચોરી ઝડપાઈ ગઈ હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છને આવરી લેતી PGVCL કચેરી દ્વારા લાંબા સમય બાદ આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેનાથી વીજચોરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

રાજકોટ શહેરમાં વધતા જતાં વીજ લાઈન લોસને કારણે પીજીવીસીએલના અદિકારીઓએ જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરના ડિવિઝન-3માં આવતાં ખોખડદડ, વાવડી અને મવડી રોડ સબ ડિવિઝનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં PGVCLની 39 ટીમ હતી. જેમના દ્વારા અલગ અલગ વિસ્તારોમાં 966 જેટલા વીજ મીટર ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 88 જેટલા મીટરમાં ગેરરીતિ સામે આવી હતી એટલે કે વીજ ચોરી કરવા માટે મીટરોમાં છેડછાડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેથી PGVCL દ્વારા 20.54 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા દિવસે રાજકોટ સિટી સર્કલના રાજકોટ સીટી ડિવિઝન 1 માં 37 ટીમો સવારથી અલગ અલગ જગ્યાએ ત્રાટકી હતી અને 70 વીજ મીટરમાં ગેરરીતિ સામે આવતા 21.24 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.