સુરેન્દ્રનગરઃ રાજ્યભરમાં વીજળી ચોરી સામે સરકારની માલિકીની ચારેય વીજ કંપનીઓએ ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં સરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજચોરી ડામવા કાર્યવાહી હાથ ધરી હતી. વીજ ચેકિંગ સ્કવોર્ડની 34 ટીમોએ ધ્રાંગધ્રા, પાટડી, દસાડા, બાવળી, રાજસીતાપુર વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં 655 કનેકશન તપાસમાં 98માં વીજચોરી જણાતા 28 લાખનો દંડ ફટકારાયો હતો. જિલ્લામાં વીજ ચોરીનું દુષણ વધી જતાં લાઈનલોસ વધી રહ્યો છે. અને કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે.આથી પીજીવસીએલ દ્વારા વીજ ચોરી અટકાવવા તપાસ હાથ ધરાઇ હતી. જેમાં વીજ લોસ ધરાવતા ફીડરો પર આયોજન બધ્ધ ચેકીંગ હાથ ધરાયુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, પાટડી,દસાડા, બાવળી, રાજસીતાપુર વિસ્તારમાં વીજ ચેકિંગ સ્કવોર્ડની 34 ટીમોએ ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં ઘર્ષણ અટકાવવા એસઆરપી અને પોલીસ રક્ષણ સાથે રહેણાંક, વાણિજય, ખેતીવાડી સહિતના કુલ 655 કનેક્શનો તપાસાયા હતા.જેમાં 98 જોડાણમાં વીજચોરી જણાતા 28 લાખનો દંડ ફટકારાતા વીજચોરોમાં દોડધામ મચી જવા પામી હતી. જિલ્લામાં વીજ ટીમોએ એપ્રીલ 22થી ડિસેમ્બર 22 સુધીમાં 32498 વીજ જોડાણો ચકાસતા 4697માં ગેરરિતી સામે આવી હતી.આથી રૂ.1321લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.જ્યારે હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેવાનુ જણાવાયુ હતુ.
પીજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વીજ લાઈનલોસ વધી રહ્યો છે. ઘણા ઈસમો રાતના સમયે વીજ લાઈન સાથે ચેડા કરીને વીજ ચારી કરતા હોય છે. એટલે દિવસ દરમિયાન ચેકિંગ કરાતું હોવાથી વીજચોરી પકડાતી નથી. હવે જે વિસ્તારોમાં વધુ વીજચોરી થઈ રહી હોવાનું શંકા છે, તે વિસ્તારો પર વોચ રાખવામાં આવી રહી છે. અને સમયાંતરે વીજ ચેકિંગ કરવામાં આવશે. (FILE PHOTO)