Site icon Revoi.in

ઘોઘાના લાખણકા ગામની સીમમાં ખનીજ ચોરી સામે દરોડા, 55 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

Social Share

ભાવનગરઃ  જિલ્લાના ઘોઘા તાલુકામાં બેરોકટોક થતી ખનીજની ચોરી સામે ખાણ-ખનીજ વિભાગે લાલા આંખ કરી છે. જેમાં લાખણકા ગામની સીમમાં ગેરકાયદે ધમધમતા ખનીજ ચોરીના અડ્ડાઓ પર પ્રાંત અધિકારી સાથે ખાણ-ખનીજ વિભાગે મળી સંયુક્ત કામગીરી હાથ ધરતા ખનીજ ચોરો વાહનો-સાધનો જૈસે થે છોડી ફરાર થઈ જતાં તંત્ર એ 55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તંત્રના દરોડાથી ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ભાવનગર જિલ્લાના તળાજા, પાલીતાણા, ઘોઘા, વલ્લભીપુર સહિતના તાલુકાઓમાં વર્ષોથી ખનીજ ચોરીનું દુષણ અસ્તિત્વ ધરાવે છે, જેમાં ઘોઘા તાલુકાના લાખણકા થળસર ખડસલીયા તથા તળાજા તાલુકાના ખદરપર સહિતના ગામડાઓમાં આવેલી નદી નેરાઓમાં ખનીજ માફીયાઓ રાત દિવસ જોયા વિના બેખૌફ બનીને કિંમતી ખનીજો કાઢી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડી રહ્યા છે. નદીમાંથી ટ્રેકટરો અને ડમ્પરો દ્વારા રેતી ઉલેચી જવાથી નદીમાં ઠેર ઠેર ઊંડા ખાડાઓ પડી ગયા છે. રેતીનું ખનન કરનારા માથાભારે હોવાથી કોઈ તેમની સામે અવાજ ઊઠાવતું નથી. દરમિયાન ભાવનગર પ્રાંત અધિકારી તથા ખાણ-ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું.  બંને વિભાગોના અધિકારીઓએ પોલીસની મદદ લઈને  સંયુક્ત કામગીરી હાથ ધરી અલગ અલગ ટીમો સાથે ખનીજચોરો પર ત્રાટકી હતી. આ દરોડા ને પગલે ખનીજ માફીયાઓ તથા મજૂરો ઘટના સ્થળેથી નાસી છુટ્યા હતાં પરંતુ ટીમે લાખણકાના સાત ખદરપરના અનેવએક લોકેશન મળી કુલ આઠ લોકેશન પરથી એક જેસીબી, એક ટ્રેક્ટર, ચારણાઓ સહિત કુલ રૂ.55 લાખથી વધુ નો મુદ્દામાલ કબ્જે કરી સીલ કરી ઘોઘા પોલીસ સ્ટેશનમાં મુકાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.