રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વજચોરીનું દુષણ હોવાથી પીજીવીસીએલને કરોડો રૂપિયાની ખોટ થઈ રહી છે. રોજબરોજ લાઈનલોસમાં વધારો થતો જાય છે. આથી જે વિસ્તારોમાં વીજ લાઈનલોસ વધુ રહેતો હોય તેવા વિસ્તારમાં વીજ ચેકિંગ સઘન બનાવવામાં આવી રહ્યું છે. પીજીવીસીએલની 104 જેટલી ટીમોએ રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં દરાડા પાડતાં ત્રણેય જિલ્લામાંથી 48.38 લાખની વીજચોરી પકડાઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં અગાઉ પણ વીજચોરો સામે ઝૂંબેશ હાથ દરવામાં આવી હતી. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીને લીધે દરોડાની કાર્યવાહી સ્થગિત રહી હતી. હવે ચૂંટણી પૂરી થતાં જ પીજીવીસીએલ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જુદી જુદી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલની 104 ટીમોએ સવારથી જ દરોડા પાડવાનું શરૂ કરી દીધું હતું અને દિવસ દરમિયાન ત્રણેય જિલ્લામાંથી કુલ 48.38 લાખની વીજચોરી પકડાઈ હતી. વીજકંપનીની ટીમે ગોંડલ, જામનગર અને સુરેન્દ્રનગરમાંથી 209 વીજકનેક્શનમાંથી પાવરચોરી થતી હોવાનું પકડી પાડ્યું હતુ.
પીજીવીસીએલના સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર સર્કલ હેઠળના લીંબડી, ચુડા, સાયલા સબ ડિવિઝન હેઠળ આવતા જુદા જુદા વિસ્તારોમાં સોમવારે 38 ટીમે દરોડા પાડ્યા હતા. આ વિસ્તારમાં કુલ 519 વીજકનેક્શન તપાસતા તેમાંથી 63 કનેક્શનમાં ગેરરીતિ થતી હોવાનું માલૂમ પડતા ચેકિંગ ટીમે રૂ. 19.96 લાખનો દંડ ફટકાર્યો હતો. રાજકોટ રૂરલ સર્કલમાં ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 31 ટીમ ત્રાટકી હતી અને ચેકિંગ કર્યું હતું. જેમાં ગોંડલ વિસ્તારમાં કુલ 882 વીજકનેક્શન ચેક કરાયા હતા જેમાંથી 90માં ગેરરીતિ બહાર આવતા 14.1 લાખનો દંડ ફટકારાયો છે. જ્યારે જામનગર ગ્રામ્ય અને ખંભાળિયામાં 35 ટીમોએ વીજચેકિંગ કર્યું હતું. 354 વીજકનેક્શન તપાસતા 56માં પાવરચોરી થતી હોવાનું બહાર આવતા વીજચોરી કરનારાઓને 14.32 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.