વલસાડ : ગુજરાતના દરેક જિલ્લાઓમાં ગેરકાયદે ખનન પ્રવૃતિઓ બેરોકટોક ચાલતી હોય છે. ખનીજ માફિયાઓને કોઈનો ય ડર રહ્યો નથી. સરકારી ખૂલ્લી જમીનોમાંથી માટી, નદીઓમાંથી રેતી, અને ડુંગરાળ વિસ્તારોમાંથી કપચીની ચોરી સામાન્ય બની ગઈ છે. આવી ચોરી અટકાવવા માટે ખાણ-ખનીજ વિભાગ, કલેક્ટર અને પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પણ માથાભારે ખનીજ માફિયાઓ પોતાનો કારોબાર ફરીવાર શરૂ કરી દેતા હોય છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ગેરકાયદે ખનન કરતા માફિયા સામે તંત્રએ દરોડા પાડ્યા હતા અને 80 જેટલા વાહનો જપ્ત કરીને કડક કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લામાં વહીવટી તંત્રએ સપાટો બોલાવી રેતી કપચી અને માટી જેવા ખનિજનું વહન કરી અને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતાં ખનિજ ચોરો સામે લાલ આંખ કરી હતી. પૂરી તૈયારી સાથે ધરમપુર અને કપરાડા સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં તંત્રની ટીમોએ ખનીજનું વહન કરતાં 70 થી વધુ વાહનોને જપ્ત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ એક સાથે અનેક જગ્યાએ તંત્રએ હાથ ધરેલી કાર્યવાહીને કારણે ખનીજ ચોરો આમ ફફડાટ વ્યાપી ગયો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીની આગેવાનીમાં 6 મામલતદાર, અને જિલ્લાના આરટીઓ, ખાણ ખનીજ વિભાગ અને ભૂસ્તર વિભાગની ટીમે એક સાથે સંયુક્ત કાર્યવાહી કરી હતી. જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢામાં અને બગવાડા ટોલનાકા પર તંત્રની ટીમોએ માટી, કપચી અને રેતીનું વહન કરતાં ભારે વાહનોને રોકી તેમાં તપાસ કરી હતી. આ કાર્યવાહી અંતર્ગત ખનીજનું વહન કરતાં 70 થી વધુ ઓવરલોડ વાહનોને અટકાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આ કાર્યવાહીમાં ઓવરલોડ વાહનોની સાથે જે વાહનોના પાસ પરમીટ પણ ન હતા સાથે જ જરૂરી દસ્તાવેજો પણ નહોતા. એવા વાહનચાલકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ વલસાડ જિલ્લા પ્રાંત અધિકારી, મામલતદાર, ખાણ ખનીજ વિભાગ, આરટીઓ વિભાગ અને ભૂસ્તર વિભાગની ટીમોની સંયુક્ત કાર્યવાહીને કારણે જિલ્લાના ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તંત્રની ટીમોએ એક નહિ પરંતુ અનેક જગ્યાએ એક સાથે કાર્યવાહી કરતા 70 થી વધુ વાહનચાલકો દંડાયા હતા. આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.