- મહેસાણાના રાધે ગૃપ પર આઈટીનું સર્ચ,
- મોરબીના બે સિરામિક ઉદ્યોગકારો પણ તપાસના દાયરામાં,
- એક રાજકારણીના જમાઈ પણ આઈટીના રડારમાં
અમદાવાદઃ ગુજરાતમાં ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ મહેસાણાના જાણીતા રાધે ગૃપ અને તેની સાથે જોડાયેલા એકમો સહિત 24 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. રાધે ગ્રૂપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને સર્ચ કરવામાં આવ્યુ હતું. બિન હિસાબી વ્યવહારો મળ્યા કે કેમ તે અંગે હજુ કંઈ જાણી શકાયું નથી. સર્ચની કામગીરીમાં આઈટીની 70 ટીમો જોડાઈ હતી.
મહેસાણાના જાણીતા એવા રાધે ગ્રૂપ સાથે સંકળાયેલા લગભગ 24થી વધુ ઠેકાણે આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી હતી. મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં તપાસનો આ ધમધમાટ ચાલી રહ્યો છે. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ પોલીસને સાથે રાખી મોરબી, અમદાવાદ, મહેસાણા સહિતના સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ગ્રુપ પેપરમીલ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે. ITની તપાસમાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
મળતી માહિતી પ્રમાણે મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે. આશરે બે ડઝનથી વધુ સ્થળોએ આઈટી વિભાગે એક સાથે તપાસ હાથ ધરી હતી. જેમાં રાજકોટ જિલ્લાના એક જાણીતા રાજકારણીના જમાઈને ત્યાં પણ દરોડો પાડવામાં આવ્યો હતો. મોરબીના બે સિરામિક ઉદ્યોગકારોનું પણ રાધે ગ્રુપ સાથે કનેકશન હોય ત્યાં પણ તપાસ ચાલી રહી છે.
મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા તીર્થક ગ્રુપ પર વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રુપની ઓફિસ , કારખાના તેમજ ગ્રુપના મોભી જીવરાજ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલા ઘર પર પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.