અમદાવાદઃ ગુજરાત દેશનું ઓદ્યાગિક સ્ટેટ બની રહ્યું છે. તેના લીધે જીએસટીની આવકમાં ગુજરાત મોખરે છે. કેટલાક વેપારીઓ દ્વારા જીએસટીની કરચોરી કરાતી હોય છે. ત્યારે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યમાં 52 સ્થળોએ દરોડા પાડીને 8 કરોડથી વધુની કરચોરી પકડી પાડી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ GST વિભાગ દ્વારા માર્કેટમાં વિવિધ સેક્ટરમાં ચાલતી પ્રવર્તમાન વ્યાપાર કામગીરીનો અભ્યાસ કરવામાં આવે છે. તેના આધારે કરદાતા દ્વારા કરવેરાને લગતી પોતાની યુક્તિ-પ્રયુક્તિને શોધવામાં આવે છે તથા આ પ્રકારના કરદાતાઓની વ્યવસ્થા આધારિત પ્રોફાઈલીંગ કરવામાં આવે છે. મોટાભાગના વિવિધ સેક્ટર સાથે સંકળાયેલા કરવેરાદાતા દ્વારા મુખ્યત્વે ઉપભોક્તાઓને કરવામાં આવતા વેચાણો અને આપવામાં આવતી સર્વિસિસ અન્વયે બિલ આપવામાં આવતા નથી તથા વેરા ભરવાનો ન થાય કે ઓછામાં ઓછા વેરો ભરવાપાત્ર થાય તે માટે કેટલાક વેપારીઓ ચાલાકી કરતા હોય છે. અને આવા કરચોરોને પકડી પાડવા માટે સ્ટેટ જીએસટી દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોય છે. સ્ટેટ જીએસટીના અધિકારીઓએ રાજ્યમાં 52 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સાથે વિભાગ દ્વારા કુલ રૂપિયા 8.10 કરોડની કરચોરી પકડવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરત, વડોદરા, ડાંગ, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા તથા રાજકોટ જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા. સર્ચ દરમિયાન બિનહિસાબી વ્યવહારોને લગતા દસ્તાવેજો-પૂરાવા મળી આવ્યા હતા. હિસાબી સાહિત્ય પ્રમાણે સ્ટોક તથા પર તફાવત તથા મળવાપાત્ર ન હોય તેવી વેરાશાખ પણ ભોગવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. વિભાગ દ્વારા આ પ્રકારના વ્યવહારોની તપાસ કરવામાં આવતા તેની કુલ રકમ રૂપિયા 8.10 કરોડ જેટલી કરચોરી હોવાનું જાણવા મળ્યું છે.