અમદાવાદઃ રાજ્યમાં કરચોરો સામે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સર્ચની કાર્.વાહી શરૂ કરવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગની ટીમો દ્વારા અમદાવાદ, વડોદરા, મોરબી, સુરત, રાજકોટ સહિત આઠ શહેરોમાં B2C વ્યવહારોમાં કરચોરી ઝડપવા માટે સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મોબાઇલ એસેસરીઝ, રેડી ટુ ઈટ ફુડના વેપારીઓ તેમજ પ્લાસ્ટીક સર્જરી, હેર ટ્રાન્સપ્લાન્ટના વેપારીઓને ત્યાં સર્ચ કરાતા બેનામી વ્યવહારો પકડાયા હોવાનું બીન સત્તાવારરીતે જાણવા મળ્યું છે.
સ્ટેટ જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરમાં ગુરૂવારે અનેક જગ્યાએ ટેક્સ વિભાગની ટીમો ત્રાટકી હતી. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, મોરબી, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, આણંદ અને ગાંધીધામમાં પણ ટીમો દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીના પગલે વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ખાસ કરીને B2C સેગમેન્ટમાં બેનામી વ્યવહારોને ઝડપી પાડવા માટે આ દરોડા પાડવામાં આવ્યા હતા. મોબાઇલ એસેસરીઝ, રેડી ટુ ઈટ ફુડના વેપારીઓ તેમજ પ્લાસ્ટીક સર્જરી, હેર ટ્રાન્સપ્લાન્ટના વેપારીઓને ત્યાં પણ SGST વિભાગની ટીમો ત્રાટકી હતી. ખાસ કરીને જીએસટી કાયદા અંતર્ગત રજીસ્ટ્રેશન મેળવવા માટે જવાબદાર હોવા છતાં રજીસ્ટ્રેશન ન મેળવીને ટેક્સચોરી કરતા વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કેટલાક વેપારીઓ ટર્નઓવર છુપાવી ગેરકાયદેસર રીતે કમ્પોઝીશન સ્કીમનો લાભ લઇ ટેક્સચોરી આચરી રહ્યા છે એવી બાતમીના આધારે ટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યભરમાં કુલ 25 વેપારીઓને ત્યાં 46 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મોટાપાયે બેનામી વ્યવહારો ઝડપાયા હોવાની આશંકા છે. આ મામલે વધુ જાણકારી તપાસ બાદ સામે આવી શકે છે.