Site icon Revoi.in

મહેસાણા અને સાબકાંઠામાં બિયારણ-ખાતરની 634 પેઢીઓ પર દરોડા, 1.39 કરોડનો જથ્થો સીઝ કરાયો

Social Share

મહેસાણાઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી બાદ હવે વરસાદનું આગમન થઈ ગયું છે, બીજીબાજુ ખેડુતોએ વાવણીના આગોતરી તૈયારીઓ કરી દીધી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બોગસ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું ઉત્પાદન અને વેચાણ અટકાવવા માટે તા.10 થી 12 જૂન સુધી કૃષિ વિભાગની 5 ટીમો દ્વારા ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં મહેસાણા જિલ્લામાં 14 ઉત્પાદક અને 73 વિક્રેતાઓને કૃષિ વિભાગની ટીમોએ હાથ ધરેલી તપાસમાં શંકાસ્પદ જણાતાં 23 નમૂના લેવાયાં હતા અને રૂ.34.69 લાખનો 432 ક્વિન્ટલ જથ્થો સીઝ કરી 36 પેઢીને નોટિસ અપાઇ હતી.

મહેસાણા સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) અધિકારીના જણાવ્યા મુજબ નકલી ખાતર,બીયારણ સામેના આ ઓપરેશનમાં કુલ 19 ઉત્પાદકો અને 615 વિક્રેતા મળી કુલ 634 પેઢીઓની તપાસમાં 66 સેમ્પલ લેવાયા હતા. આ સાથે 9 ઉત્પાદક અને 217 વિક્રેતા મળી કુલ 226 પેઢીઓને નોટિસ ફટકારી રૂ.139.78 લાખની કિંમતનો 1231.21 ક્વિન્ટલ અને 1098.63 લિટર જથ્થો સ્ટોપસેલ કરાયો છે. લેવાયેલા 226 સેમ્પલને પરીક્ષણ અર્થે લેબમાં મોકલાયા છે.

સેમ્પલના પરિણામ આવ્યા બાદ જો કોઇ ઉત્પાદક કે વિક્રેતા દોષિત સાબિત થશે તો તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી હાથ ધરાશે. સાબરકાંઠા નાયબ ખેતી નિયામકે જણાવ્યું કે, લીધેલા સેમ્પલમાં બિયારણની ગુણવત્તાની ચકાસણી કરાશે. ખાતરમાં ન્યુટ્રીટન્ટ કેટલા પ્રમાણમાં છે અને જંતુનાશક દવામાં કન્ટેન્ટ પ્રમાણે ટકાવારી છે કે નહીં તેનું પરીક્ષણ કરાશે. રિપોર્ટ આવતા એક માસ જેટલો સમય લાગતો હોય છે પરંતુ ખરીફ વાવણીનો સમય થઈ ગયો હોવાથી 10 થી 12 દિવસમાં રિપોર્ટ આવી જશે.