દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ દર્દીઓને બેડ પણ નહીં મળતા હોવાની ફરિયાદો થઈ છે. બીજી તરફ સરકાર દ્વારા કોવિડ બેડની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. બેડની સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારે રેલવેના કોચનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. જે અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
ઉત્તર રેલવેના જીએમ આશુતોષ ગંગલે જણાવ્યું હતુંઆઇસોલેશન કોચ માટે રાજ્યો પાસે કોઈ ચાર્જ વસૂલવામાં આવે નહિ. અમે ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યા છે. અમે પ્રત્યેક કોચમાં 2 સિલિન્ડર પ્રદાન કરી શકીએ છે. ત્યાર પછી રાજ્ય દ્વારા રિફિલિંગ અને અન્ય વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે.
રેલવે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે, શકુરબસ્તિ સ્ટેશન પર 50 કોવિડ-19 આઇસોલેશન કોચ તૈયાર છે જેમાં 800 બેડની સુવિધા છે. એવી જ રીતે આંનદ વિહાર સ્ટેશન પર 25 કોચ કોરોના દર્દીઓ માટે ઉપલબ્ધ હશે. રાજ્યોની માંગ અનુસાર રેલવે દેશભરમાં 3 લાખથી વધુ આઇસોલેશન બેડસની વ્યવસ્થા કરી શકે છે.
કોરોના સંકટ વચ્ચે રેલવે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવા જઈ રહ્યું છે. આ ટ્રેનો માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે. આ અંગે રેલવેએ જણાવ્યું કે ટેક્નિકલ ટ્રાયલ્સ પછી ખાલી ટેન્કરોને મહારાષ્ટ્રના રેલવે સ્ટેશનોથી વિજાગ, જમશેદપુર, રાઉરકેલા, બોકારો મોકલવામાં આવશે. આ જગ્યાઓ પર ટેન્કરોમાં લીકવીડ મેડિકલ ઓક્સિજન લોડિંગ કરવામાં આવશે. રેલવેએ આ નિર્ણય મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સરકારની રિકવેસ્ટ પર લીધો છે.