Site icon Revoi.in

સુરતમાં રેલવે પ્લેટફોર્મ ટિકિટના દર ભારે વિરોધ થયા બાદ ઘટાડાયા

Social Share

અમદાવાદઃ  સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટના ચાર્જ 50 રૂપિયા કરી દેવાયો હતો. જે અંગે સોશિયલ મીડિયામાં ભારે વિરોધ જોવા મળ્યો અને આખરે આજે ફરી એક વખત ટિકિટના ભાવ ઘટાડી 30 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. રેલવે રાજ્યમંત્રી દર્શનાબેનએ વિરોધને પગલે સુરતના રેલવે પ્લેટફોર્મની ટિકિટના ભાવ ઘટાડવાની સુચના આપી ત્યાર બાદ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનું હોવાનું કહેવાય છે.

કોરોના પછી પશ્ચિમ રેલવેને સૌથી વધુ આવક રળી આપતા સુરત રેલવે સ્ટેશન પર પહેલા તો પ્લેટફોર્મ ટિકિટ આપવાની જ બંધ કરી દેવામાં આવી હતી. જોકે બાદમાં જયારે પ્લેટફોર્મ ટિકિટ આપવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે ભાવ સીધા જ 50 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકો અને સંસ્થાઓ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. હાલમાં જ્યારે મોંઘવારી તેની ચરમસીમાએ છે ત્યારે સુરતમાં 50 રૂપિયા રેલવે ટિકિટનો ભાવ કરવા મામલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલવેના અમદાવાદ, વડોદરા સહિત બીજા સ્ટેશનો ઉપર પ્લેટફોર્મ ટિકિટનો દર રુ. 30 છે, તો સુરતમાં કેમ રુ.50 રાખવામાં આવ્યા ? એવો પ્રશ્ન ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડીયાએ ઉઠાવી ડીઆરએમને રજુઆત કરી ભાવ તાત્કાલિક ઘટાડવા માગણી કરી હતી. એટલું જ નહીં સોશિયલ મીડિયામાં પણ પ્લેટફોર્મ ટિકિટ વધારવાના મુદ્દે ભારે ટીકાઓ પણ થઇ હતી. રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે સુરતને ભેટ આપી હોવાનો કટાક્ષ પણ કરવામાં આવ્યો હતો. જોકે રેલવે તરફથી હવાલો એવો આપવામાં આવ્યો હતો કે કોરોનાને કારણે લોકોની બિનજરૂરી ભીડ પ્લેટફોર્મ પર એકત્ર ન થાય તે માટે આ ભાવ રાખવામાં આવ્યો છે.