ભાવનગરઃ જિલ્લાના મહુવા અને તળાજા વિસ્તારમાં લાલ ડુંગળીનું મબલખ ઉત્પાદ થયું છે. ડુંગળીનો મોટાભાગના જથ્થો પંજાબ, દિલ્હી ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં મોકલાતો હોય છે. ડીઝલના ભાવ વધ્યા બાદ રોડ ટ્રાન્સપોર્ટેશન મોંધુ બની ગયું છે. ત્યારે રેલવે દ્વારા વેપારીઓને પણ માલ મોકલવો સસ્તો પડે છે. પરંતુ રેલવે દ્વારા પુરતા રેન્ક ફાળવાતા નહીં હોવાથી વેપારીઓને ટ્રકો દ્વારા માલ રવાના કરવો પડે છે. તે મોંઘો પડે છે. આથી ડુંગળીના જથ્થા માટે વધુ રેન્ક ફાળવવાની માગ ઊઠી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહુવા તથા તેના આજુબાજુના વિસ્તારમાં લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે અને તેને એક્સપોર્ટ કરવા માટેના ડીહાઇડ્રેશન પણ મહુવા શહેરમાં ઘણા કાર્યરત છે પરંતું ડુંગળી દેશભરમાં પહોચાડવા યોગ્ય સુવિધા રેલવે તંત્ર તરફથી પ્રાપ્ત થાય તો રોડ માર્ગે માલ મોકલવાના ઉંચા ભાડા ખર્ચથી બચી શકાય જેનો સીધો ફાયદો ખેડુતોને થાય તેમ છે. મહુવા પાસે બ્રોડગેજ લાઇન છે. છતા સમયસર અને જોઇતા પ્રમાણમાં રેલવે રેંક મળતી ન હોય મહુવાની લાલ ડુંગળીનું બજાર પંજાબ છેલ્લા બે-ત્રણ વર્ષથી મહારાષ્ટ્રનાં હાથમાં જતુ રહ્યું છે. રેલ્વેની રેંક માટે ડુંગળીના વેપારીઓને દર વર્ષે જાણે ભીખ માગવી પડતી હોય તેવી સ્થિતિ ઉભી થાય છે. જો કે મોટાભાગે જેટલી જરૂર હોય તે પ્રમાણે માંગણી પ્રમાણે રેન્ક ફાળવવામાં આવતી હોય છે.એક અંદાજ મુજબ 40 થી 50 રેન્કની માંગણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે પુરતા રેન્ક ફાળવાયા ન હોવાનું કહેવાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે વરસાદના કારણે ખરીફ તથા રવિ ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્ર ભરમાં ગત સાલની સરખામણીએ ઓછુ થયું છે. મહુવા પંથકમાં ખાસ કરીને લાલ ડુંગળી કાંજી(કળી)નું વાવેતર સારા પ્રમાણમાં થયું હતુ. જ્યારે સફેદ ડુંગળીનું વાવેતર ઓછું થયુ હતુ. હાલમાં ખરીફ ડુંગળી તથા કાંજીની ડુંગળીની આવક મહુવા યાર્ડમાં શરૂ થઈ છે. ગત સિઝનમાં જાન્યુઆરી થી મે માસ દરમિયાન મહુવા માર્કેટીંગ યાર્ડમાં લાલ કાંદા 44,27,507 થેલાની આવક થઈ હતી. જેનો ઉંચો ભાવ રૂ.540/- હતો. હાલ જાન્યુઆરી માસમાં લાલ ડુંગળીની રોજની 60 થી 79 હજાર થેલાની આવક છે, જેનો ઉંચો ભાવ રૂ.300/- મળી રહ્યો છે. જયારે સફેદ ડુંગળી ગત જાન્યુઆરી થી મે માસમાં 75,17,782 થેલાની આવક થઈ હતી, જેનો ઉંચો ભાવ રૂ.535/- હતો. હાલ દરરોજ સફેદ ડુંગળી 10 થી 19 હજાર થેલાની આવક અને ઉંચો ભાવ રૂ.261/- મળી રહ્યો છે. ગત સાલની સરખામણીમાં ખેડુતોને ભાવો નીચા મળી રહ્યા છે. તથા હજુ આવકમાં વધારો થશે. જેથી હજુ ભાવો વધુ નીચા જઇ શકે છે. ત્યારે ખેડુતોને દર સાલ ડુંગળીમાં બિયારણથી લઇ કાપણી અને વેચાણ સુધીની પ્રક્રિયામાં ખર્ચ વધુ થવા પામે છે. તેથી ઘટતા ભાવોથી ખેડુતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મહુવાથી ડુંગળીની નિકાસ માટે દર વર્ષે 40 થી 50 રેન્કની માંગણી કરવામાં આવે છે. મોટાભાગે માંગણી પ્રમાણે રેન્ક ફાળવવામાં આવતી હોય છે.જયારે ડુંગળીનો ભાવ ઉંચો હોય ત્યારે ટ્રાન્સપોર્ટ દ્વારા નિકાસ કરવામાં આવતો હોય છે. ડુંગળીના ભાવ નીચા હોય ત્યારે જરૂરીયાત પ્રમાણે રેલ્વે પાસે રેન્કની માંગણી કરવામાં આવે છે. પણ આ વખતે પુરતા રેન્ક ફાળવાયા ન હોવાનું વેપારીઓનું કહેવું છે.
મહુવામાંથી સૌથી વધારે નિકાસ યુરોપના દેશોમાં થાય છે. કેટલેક અંશે અમેરિકામાં પણ થાય છે તેમજ મહુવાથી દિલ્લી, પંજાબ, ઉત્તરપ્રદેશ, જમ્મુ-કશ્મીર, રાજસ્થાન, ઉત્તર ગુજરાત વિસ્તારમાં ડુંગળી વેચાણ માટે જતી હોય છે. વેપારીઓને ડુંગળીના વહન માટે રોડ ટ્રાન્સપોર્ટેશન મોંધુ પડે છે. તેથી રેલવે દ્વારા પુરતા રેન્ક ફાળવવામાં આવે તેવી માગ ઊઠી છે.