રોબોટ્સને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે તેઓ મનુષ્યની જગ્યા લઈ શકે છે, પણ આ પૂરું સાચુ નથી. રોબોટ્સ ક્યારેય મનુષ્યનું સંપૂર્ણ સ્થાન લઈ શકતા નથી, પણ કેટલાક કામોમાં રોબોટ્સનો ઉપયોગ કરીને, કામને સરળ બનાવી શકાય છે અને મનુષ્યો પરના જોખમો ઘટાડી શકાય છે.
વેસ્ટ જાપાન રેલ્વે જાપાન રેલ્વે ગ્રૂપ બનાવતી છ કંપનીઓમાંની એક છે, તેણે એક વિશાળ “હ્યુમનોઇડ રોબોટ” દર્શાવ્યું છે જેનો ઉપયોગ તેની લાઈનો પર ભારે મશીનરી જાળવવા માટે કરવામાં આવશે.
નવો રોબોટ આઇટી અને ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની નિપ્પોન સિગ્નલ કંપની અને રોબોટિક્સ ટેક્નોલોજી ડેવલપર જિંકી ઇટ્ટાઇ કંપની વચ્ચેની ભાગીદારીનો એક ભાગ છે. આ મહિનાથી આ હ્યુમનૉઇડ રોબોટ ટ્રકમાં લગાવવામાં આવશે. આ ટ્રક રેલવે ટ્રેક પર દોડી શકશે અને આ રોબોટ કંપનીની અંદર ટ્રેક અને નેટવર્ક મેન્ટેનન્સનું કામ કરશે.
ટ્રકની કોકપીટમાં બેસીને માણસ રોબોટને કંટ્રોલ કરશે. આ રોબોટ ઘણો મોટો છે અને તેમાં ઘણા કેમેરા લગાવેલા છે જેની મદદથી તે કામ કરે છે. આ રોબોટને દૂરથી બેસીને કંટ્રોલ કરી શકાય છે. રોબોટની આંખોમાં કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
કંપનીના જણાવ્યા મુજબ, રોબોટનું મુખ્ય કામ ટ્રેનની ઉપરના વાયરને સપોર્ટ કરતી મેટલ ફ્રેમને રંગવાનું અને રેલ્વે પર પડેલી ઝાડની ડાળીઓને કાપવાનું રહેશે. કંપનીના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં અમે અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર તમામ પ્રકારના જાળવણી કાર્ય માટે મશીનોનો ઉપયોગ કરવાની આશા રાખીએ છીએ.