Site icon Revoi.in

રાજકોટથી અયોધ્યા, પ્રયાગરાજ સહિત યાત્રાધામો માટે રેલવે દ્વારા 5મી ફેબ્રુઆરીથી ખાસ ટુરનું આયોજન

Social Share

રાજકોટઃ અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ બાદ પણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભાવિકો અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે જઈ શકે તેમજ સાથે પ્રયાગરાજ સહિત વિવિધ તિર્થધામોની યા6 કરી શકે તે માટે પશ્વિમ રેલવે દ્વારા ખાસ પ્રવાસી ટપરનું આયોજન કરવામાં આવ્યું છે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભક્તજનોને દર્શન કરવા માટે IRCTC દ્વારા શ્રીરામ જન્મભૂમિ સ્પેશિયલ ટુરનું આયોજન તા.5 ફેબ્રુઆરીથી કરવામાં આવ્યું છે. જેમાં 5થી 14 ફેબ્રુઆરી દરમિયાન 9 રાત્રિ અને 10 દિવસનો સમાવેશ થાય છે. શ્રીરામ જન્મભૂમી અયોધ્યા તેમજ પ્રયાગરાજ સાથે 3 જ્યોતિર્લિંગ દર્શન કરાવવામાં આવશે. આ સ્પેશિયલ ટ્રેનમાં નાસ્તા ઉપરાંત બપોર અને સાંજનું જમવાનું પણ આપવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ સ્પેશિયલ ટુરની આ ટ્રેનમાં ઈકોનોમિ કલાસ, કમર્ફટ કલાસ 3 એસી, કમર્ફટ 2 એસી એમ ત્રણ કલાસમાં સુવિધા રહેશે. યાત્રા ટ્રેન રાજકોટથી ઉપડશે જે સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, મેઘનગર અને રતલામ સ્ટેશન પર ઊભી રહેશે. યાત્રા દરમિયાન નાસ્તો તથા બપોર તેમજ રાતનો જમણવાર પણ રહેશે. આ ટ્રેન રાજકોટથી અયોધ્યા ત્યારબાદ પ્રયાગરાજ, ત્યાંથી ચિત્રકુટ, વારાણસી, ઉજૈન અને નાસિકથી પરત ફરશે. જેમાં તમામ સ્થળોના પ્રસિદ્ધ મંદિરો અને ધાર્મિક સ્થળોની મુલાકાત કરવામાં આવશે. આ યાત્રા 9 રાત અને 10 દિવસની રહેશે. યાત્રામાં જોડાતા શ્રદ્ધાળુંઓમાં પુરૂષોએ ધોતી, કુરતા અને પાયજામા, જ્યારે મહિલાઓએ સાડી અને સલવાર- કમિઝ પહેરવું ફરજીયાત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 22 જાન્યુઆરીએ ભગવાન રામના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ત્યારબાદ દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઐતિહાસિક સ્થળનાં દર્શન માટે આવશે. ત્યારે શ્રદ્ધાળુંઓ અયોધ્યા ખાતેનાં રામમંદિરમાં દર્શન કરી શકે તે માટે આ ખાસ ટ્રેન દોડાવવામાં આવશે. આગામી તા. 5 ફેબ્રુઆરીથી શરૂ થનાર આ ટ્રેનનું બુકિંગ વહેલા તે પહેલાં ધોરણે કરવામાં આવશે.