મહારાષ્ટ્રના સિંધુદુર્ગ, રત્નાગિરી અને મુંબઈમાં વરસાદને લઈને એલર્ટ
મુંબઈઃ દેશભરમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે.. જેના કારણે દક્ષિણ ભારત અને ત્યારબાદ હવે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ગુજરાતમાં પણ બે દિવસથી પ્રિમોન્સુન એક્ટીવીટી હેઠળ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ તેમજ પાલઘર, થાણે, મુંબઈ અને રાયગઢ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વીજળી અને તીવ્ર પવન સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રમાં રવિવારે મુંબઈ, થાણે,રાયગઢ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ 40થી 50 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. આ વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે મધ્યમથી ભારે વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, દક્ષિણ મહારાષ્ટ્ર, તેલંગાણા અને દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.
ગુજરાતમાં આજથી ચાર દિવસ વંટોળ સાથે વરસાદની આગાહી
રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટીવીટીની શરુઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે આજથી ચાર દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ ખાબકશે. રવિવારે સાંજે ડાંગમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ રહ્યો હતો અને સાપુતારાના ઘાતમાર્ગ અને તળેટીના ગામોમાં વરસાદથી વાતાવરણ ઠંડુ બન્યું હતુ. મધ્ય ગુજરાતના વડોદરામાં પણ ભારે ઉકળાટ બાદ ધૂળની ડમરીઓ ઉડી હતી અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસ્યો હતો. જેથી લોકોને ગરમીથી રાહત મળી હતી.
ગુજરાતમાં 72 તાલુકામાં વરસાદ વરસ્યો
ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવટીના ભાગ રૂપે 72 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 90 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તાપીના વાલોડમાં 82 મીલીમીટર, વલસાડના ધરમપુરમાં 74, અમરેલીના બાબરામાં 73, છોટા ઉદેપુરના કવાંટમાં 45 મીલીમીટર વરસાદ નોંધાયો છે. ભરૂચના નેત્રંગમાં 37 મીલીમીટર તેમજ તાપીના સોનગઢ, અમદાવાદ શહેર, ડાંગના સુબિર, ખેડાના ગલતેશ્વર અને પંચમહાલના કાલોલમાં 1-1 મીલીમીટર વરસાદ નોંધાયો છે.