સુરતમાં વરસાદ આફત બન્યો, પુણાની રેસિડન્સીની દીવાલ પડતા 3 બાઈક તણાઈ, કાર ખાડામાં પડી
સુરતઃ શહેરમાં શનિવાર અને રવિવારે પડેલો વરસાદ આફતરૂપ બન્યો હતો. શહેરના પુણા કુંભારીયા રોડ પર આવેલી રેસિડેન્સીની દીવાલ પડતા ત્રણ વાહનો ખાડીના પાણીમાં તણાઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે રાહત કામગીરી હાથ ધરી હતી. દીવાલ પડતા રેસિડેન્સીના રહીશોના જીવ ટાળવે ચોંટી ગયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના પુણા કુંભારીયા રોડ પર ખાડીના લગોલગ સારથી રેસિડેન્સી આવેલી છે. રવિવારે સવારથી વરસાદના પગલે ખાડી બે કાંઠે વહી રહી છે. જેના કારણે નીચેની જમીનનું ધોવાણ થતાં આ ઘટના બની હતી. બનાવના પગલે પાલિકાની બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરની ટીમ અને ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત શહેરમાં રવિવારે વહેલી સવારથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં પુણા કુંભારીયા રોડ પર આવેલા સારથી રેસિડેન્સીની દીવાલ ઘસી પડતા પાર્ક કરેલી ત્રણ કાર બાજુમાં આવેલી ખાડીના પાણીમાં પડી ગઈ હતી. આ સાથે જ ત્રણ બાઈક પણ પાણીમાં તણાઈ ગયા હતા. દીવાલ પડતા રેસિડેન્સીના લોકો નીચે દોડી આવ્યા હતા બનાવની જાણ સુરત ફાયર વિભાગને કરી હતી. બનાવની જાણકારી મળતા ફાયર વિભાગની ત્રણ ગાડી અને ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી, જે તે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ત્યારબાદ ત્રણ બાઇકને પાણીમાંથી બહાર કાઢી હતી. આ સાથે જ ખાડીમાં પડી ગયેલી કારણે પણ બહાર કાઢી હતી.
ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના સારથી રેસિડેન્સીમાં આ ઘટના બની છે. રેસિડેન્સીની બાજુમાંથી ખાડી પસાર થાય છે. ખાડીને લગોલગ રેસિડેન્સીની દીવાલ પણ આવેલી છે. સુરતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે.જેના કારણે દીવાલની નીચેની જમીનનું ધોવાણ થતાં આ ઘટના બની હતી. બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.