અમદાવાદઃ ગુજરાતમાં આજે વરસાદની સ્થિતિ યથાવત છે. 24 કલાકમાં રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઇંચ, વેરાવળમાં 19 ઇંચ, તલાલામાં 12 ઇંચ, કોડીનારમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જયારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 12 ઇંચ, ઉપલેટામાં 5 ઇંચ અને જામંકંડોરણાના 7 ઇંચ વરસાદ થયો હતો. જુનાગઢ જિલ્લાના માંગરોળમાં 8 ઇંચ, માળિયા હાટીના અને મેંદરડા તેમજ કેશોદમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વાપી, પેટલાદ અને સુરતમાં પણ 4-4 ઇંચ વરસાદ થયો હતો. આ ઉપરાંત 45 તાલુકાઓમાં 1થી પોણા 4 ઇંચ જેટલો વરસાદ થયો હતો. આ સાથે રાજ્યમાં સરેરાશ 55.30 ટકા વરસાદ થયો હતો. સાયલામાં વિજળી પડવાની ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે.
ઝોન પ્રમાણે નોંધાયેલા વરસાદ પર નજર કરીએ તો કચ્છમાં સિઝનનો 112 ટકા, સૌરાષ્ટ્રમાં સિઝનનો 76 ટકા, દક્ષિણ ગુજરાતમાં 44 ટકા, મધ્ય ગુજરાતમાં 43 ટકા અને ઉત્તર ગુજરાતમાં 52 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના કેટલાક વિસ્તારોમાં 21 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પોરબંદર, મોરબી, સુરેન્દ્નનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા તેમજ રાજકોટ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના જેસર, ગારિયાધાર અને ઘોઘા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ગારીયાધાર તાલુકાના વીરડી, પરવડી, સુખપર અને મોટી વાવડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ઘોઘાના મોરચંદ અને તણસા ગામે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ગીરસોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હતા. જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તાલાલામાં ભારે વરસાદને પગલે હિરણ-2 ડેમમાં ભરપૂર પાણીની આવક થતા ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે તાલાલા અને વેરાવળના નીચાણવાળા 13 ગામોને એલર્ટ આપવામાં આવ્યુ છે. છેલ્લા 24 કલાકમાં સૂત્રાપાડામાં 22 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો વેરાવળમાં 19 ઈંચ, તાલાલામાં 12 ઈંચ વરસાદ પડતાં અનેક ગામોમાં ચોતરફ પાણી જોવા મળી રહ્યું છે.
રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદને પગલે સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાનો કહેર જોવા મળી રહ્યો છે. દરમિયાન સાયલા તાલુકામાં વીજળી પડવાની 3 ઘટના બની હતી. અલગ અલગ 2 ગામમાં વીજળી પડવાથી 2 લોકોનાં મૃત્યુ થયા છે. વીજળી પડવાથી ધમરાસરા ગામના બામભા વરજાંગભાઈ રૈયાભાઈ નામના 13 વર્ષના સગીરનું અને નવાગામ ગામમાં 29 વર્ષીય ચેતન રઘુભાઈ ચૌહાણનું મૃત્યુ થયું હતું. બંને મૃતકોને પીએમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.