અમદાવાદઃ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભાદરવો ભરપુર બન્યો હોય તેમ ભારે વરસાદ પડ્યો છે, રવિવારે 186 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરામાં વન ઈંચથી વધુ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાતા બચાવ અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે મહિસાગરના વિરપુર, અને સાબરકાંઠાના તલોદમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બાયડ. ધનસુરા, મોરવાહડફ, પ્રાંતિજ, લૂંણાવાડા, કપડવંજ, મહુધા, લીમખેડા, કઠલાલ, બાલાસિનોર, કડી, દેહગામ, મેઘરજ, માણસા, નડિયાદ, વગેરે વિસ્તારોમાં ચારથી 8 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. રવિવારે રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દરમિયાન હવામાન વિભાગે હજુ બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્ય સરકારે એનડીઆરએફની ટીમોને તેનાત કરી દીધી છે. જેમાં ભરૂચ, જુનાગઢ, નર્મદા, બનાસકાંઠા, દાહોદનો સમાવેશ થાય છે. ઉપરાંત વડોદરા ખાતે સેનાની બે ટીમને તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં પૂરની સ્થિતિમાં ફસાયેલા 207 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તેમજ 10,000 લોકોનું સ્થળાંતર કરાયું છે.
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જામશે. જેમા છોટા ઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે દાહોદમાં 12 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના શહેરોમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 185 અને 19 સપ્ટેમ્બરે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં છોટાઉદેપુર, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આજે 18મી સપ્ટેમ્બરે પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જયારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામા વરસાદ પડવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં 19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડવાની આગાગી કરાઈ છે. કચ્છમાં સતત પાંચમાં દિવસે ભારે વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થવાની આગાહી કરી છે. આજથી 2 દિવસ ભારે વરસાદની સંભાવના છે. 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સુરત, ડાંગ, વાપીમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે. જ્યારે છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે.