Site icon Revoi.in

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 210 તાલુકામાં પડ્યો વરસાદ, ખંભાળિયામાં 24 કલાકમાં 18 ઈંચ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 210 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં દ્વારકામાં 7 ઈંચ, ખંભાળિયામાં સાડા છ ઈંચ, કલ્યાણપુરમાં 6 ઈંચ, ભાણવડમાં 5 ઈંચ, જામનગરના લાલપુરમાં 5 ઈંચ, કાલાવડમાં 4 ઈંચ, તેમજ લોધિકા, સુરતના ઉમરપાડા, પોરબંદરમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે બાકીના તાલુકાઓમાં  ઝાપટાથી લઈને બે ઈંચ વરસાદ પડ્યો છે.

જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલા આંકડા મુજબ આજે સવારે 7 વાગ્યો પુરા થતાં  24 કલાક દરમિયાન ખંભાળિયા તાલુકામાં 18.16 ઇંચ, ભાણવડ તાલુકામાં 10.72 ઇંચ, કલ્યાણપુર તાલુકામાં 10.40 ઇંચ તેમજ દ્વારકા તાલુકામાં 10.04 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીનો વરસાદ જોઈએ તો ખંભાળિયા તાલુકામાં 74.80 ઇંચ, દ્વારકા તાલુકામાં 70.15 ઇંચ, કલ્યાણપુર તાલુકામાં 65.90 ઇંચ અને ભાણવડ તાલુકામાં 44.13 ઇંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા અવિરત વરસાદના લીધે ફરી વખત દ્વારકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દ્વારકા ઇસ્કોન ગેટ પાસે આવેલા નેશનલ હાઈવે પર બે ફૂટ જેટલું પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા વાહનોની અવરજવર પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. ગુરુદ્વારા પાસે ફરી વખત પાંચ ફૂટ કરતાં વધારે પાણી ભરાઈ ગયું હતું. દ્વારકાના, આવળપરા, ભદ્રકાલી ચોક જેવા અનેક વિસ્તારોમાં દુકાનો, ઘરોમાં ફરી વખત વરસાદી પાણી ફરી વળતા મોટું નુકસાન થયું છે. જ્યારે ખંભાળિયામાં પણ કેડસમા પાણી ભરાયા છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક હજુ પણ રાજ્યના પશ્ચિમ ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે. જ્યારે જે ડીપ ડિપ્રેશનને કારણે વરસાદ વરસી રહ્યો છે તે હાલમાં નબળું પડ્યું છે અને હજુ પણ આગામી 36 થી 48 કલાક દરમિયાન તે કચ્છ ઉપર સ્થિર થશે. કારણ કે તેને આગળ વધવા માટે યોગ્ય હવામાન ન મળતા આગામી 36 થી 48 કલાકથી કચ્છ ઉપર જ સ્થિર થાય છે. જેને કારણે પાકિસ્તાનના બોર્ડર વિસ્તાર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ આ સમયગાળા દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે.

#GujaratRain #HeavyRainfall #DwarakaFlood #JamnagarRain #KhambhaliaFlood #KalyanpurRain #BhavnagarRain #WeatherUpdate #GujaratWeather #FloodAlert #RainfallUpdate #DisasterRelief #StormWarning #Monsoon2024 #ClimateImpact