દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 34 તાલુકામાં પડ્યો વરસાદ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોવાતી રાહ
અમદાવાદઃ ગુજરાતમાં આજે બુધવારે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 34 તાલુકામાં ઝાપટાંથી લઈને એક ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બુધવારે દિવસ દરમિયાન 13 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સુરતના પલસાણામાં સવા ઈંચ, તથા ઉંમરગાંમ, પારડી, વાપી, ઓલપાડ, વેરાવળ, ગણદેવી, ખાંભા, બારડોલી, હાંસોટ, તથા ગીર ગઢડા સહિતના વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. આમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું વિધિવત આગમન તો થઇ ગયું છે પણ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. અને વરસાદના છુટો છવાયા ઝાપટાં પડી રહ્યા છે. આજે બુધવારે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 34 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં બુધવારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. બારડોલીના સ્ટેશન રોડ, ગાંધીરોડ, શાસ્ત્રી રોડ, બાબેન ગામ અને ધામરોડ વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. તેમજ નવસારી અને વલસાડ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ગણદેવીના આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. સાથે જ બીલીમોરા શહેરમાં પણ મેઘ મહર્ષ થઈ હતી.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા લગભગ 10 દિવસથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયું છે. જો કે, હવે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં અને સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠાના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેની અસર વાતાવરણમાં જોવા મળી રહી છે.