Site icon Revoi.in

ગુજરાતમાં આજે સોમવારે બપોર સુધીમાં 154થી વધુ તાલુકાઓમાં વરસાદ, ખંભાળિયામાં 5 ઈંચ

Social Share

અમદાવાદઃ ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. આજે સોમવારે સવારથી બપોર સુધીમાં 154 તાલુકામાં વરસાદ પડ્યો છે. અને કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાના વાવડ મળ્યા છે. ખંભાળિયામાં 5.3 ઈંચ વરસાદ પડ્યો છે. મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો છે.  અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ખંભાળિયામાં ચાર કલાકમાં સવા પાંચ ઈંચ વરસાદથી પાણી જ પાણી છે. તો અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. આજે સેમવારે સવારે 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં કલ્યાણપુરમાં ચાર ઈંચ, અને 88 તાલુકામાં બે ઈંચથી લઈવે ભારે ઝાપટાં પડ્યા હતા. જુનાગઢમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જુનાગઢમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. ત્યારે જુનાગઢ જિલ્લાના અનેક તાલુકા જળમગ્ન થયા છે. અવિરત વરસાદથી પાણી ભરાયા છે. અનેક ગામોનો સંપર્ક કપાયો છે, તો રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તેથી ભારે વરસાદને પગલે જુનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે. આજે  કુલ 35 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.

જુનાગઢ જિલ્લાનો બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થયો છે. બાંટવા ખારા ડેમના 6 દરવાજા 0.60 મીટર ખોલાયા છે. માણાવદર પંથકમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાયો છે. ચોમાસાની શરૂઆતમાં જ ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જોકે, બીજી તરફ, નીચાણ વાળા ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. માણાવદરના ચાર અને કુતિયાણાના ચાર ગામોને એલર્ટ કરાયા છે. ડેમના નીચાણવાળા વિસ્તારમાં ન જવા તંત્રની સૂચના છે. તો નદીના પટમાં કે તેની આસપાસના વિસ્તારમાં માલ ઢોરને પણ ન જવા દેવા તંત્રની તાકીદ કરી છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમોને રવાના કરાઈ છે. NDRF હેડ ક્વાર્ટર જરોદથી 9 ટીમો રવાના કરવામાં આવી છે. જ્યાં ભારે વરસાદની આગાહી છે તેવા જિલ્લામાં ટીમોને રવાના કરાઈ કરવામાં આવી. નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દેવ ભૂમિ દ્વારિકા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને સુરત ટીમો મોકલવામાં આવી છે. ગુજરાતનાં છ જિલ્લામાં રેડ એલર્ટ અપાયુ છે. જેમા કચ્છ અને સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.