Site icon Revoi.in

ગુજરાતમાં બપોર સુધીમાં 170 તાલુકામાં વરસાદ, પૂર્ણા સહિત અનેક નદીઓ ગાંડીતૂર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 170 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભરૂચના વાલિયામાં 6 ઈંચથી વધુ, જ્યારે ભરૂચના નેત્રંગમાં 5 ઈંચ, સુરતના ઉંમરપાડા, વલસાડ, અને મહેસાણાના જોટાણામાં 4 ઈંચ, તેમજ સુરતના પલસાણા, વલસાડના વાપી, અને પારડીમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત 150 તાલુકામાં ઝાપટાથી લઈને અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો, જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 183 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં સૌખી વધુ ભારૂચના વાલિયામાં 14 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક ઘરોમાં પાણી ભરાયાં હતાં. વાલિયાનું ડહેલી ગામમાં પાણી ઘરોમાં ઘૂંસી જતાં બચાવ અને રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ગત મોડી રાત્રે નડિયાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતમાં વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજે પણ હવામાન વિભાગ દ્વારા ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી સ્થિતિ વધુ વણસવાની પૂરી શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગત રાત્રે ભારે વરસાદ પડ્યા બાદ આજે બપોર સુધીમાં પણ વરસાદ પડતા પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે 20થી વધુ લોકો જીવના જોખમે અંબિકા નદીના પટ્ટમાં ઉતર્યા હતો. પૂરના પાણીમાં તણાઇ ગયેલી ટ્રકને કાઢવા 20થી વધુ લોકો અંબિકા નદીના પૂરના પાણીમાં ઉતર્યા છે.તમેનું રેસ્ક્યુ કરાયા હતા. અંબિકા નદી પોતાની ભયજનક સપાટી 28 ફૂટે વહી રહી છે. નવસારીમાં ભારે વરસાદ પડતા કેટલાક સ્થળો પર ભરાયા પાણી ભરાયા છે. જિલ્લામાં પૂરની પરિસ્થિતિને જોતા નવસારી અને ગણદેવી તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ. બંને તાલુકાના અનેક રસ્તાઓ હાલ બંધ હાલતમાં છે. આંગણવાડી, પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. જો કે બપોરથી નવસારીમાં ધીરે ધીરે પૂરના પાણી ઓસરી રહ્યા છે.

સુરતમાં વહેલી સવારથી વરસાદ શરૂ થતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉધના-નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ હતી. વાહન ચાલકો દ્વારા BRTS રૂટના સહારો લેવો પડ્યો હતો. દર વખતે રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોઈ છે. ઉધના-નવસારી અતિ વ્યસ્ત માર્ગ હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા ગંભીરતાથી આ વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળે ત્યારે કોઈ ઝડપથી ઉકેલ લાવવામાં આવતો નથી. એકાદ ઈંચ જેટલા વરસાદમાં પણ આ માર્ગ ઉપર પાણી ફરી વળે છે.

ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે હાલ દસ વાગ્યા સુધી ઉકાઈ ડેમની સપાટી 336.18 ફૂટ છે. ઉકાઈ ડેમની રૂલ લેવલની સપાટી 335 ફૂટ નક્કી કરવામાં આવી છે. રૂલ લેવલ કરતા ઉપર પાણીની સપાટી પહોંચતા વહીવટી તંત્ર સતત પાણી છોડી રહ્યું છે, હાલ ઉકાઈ ડેમમાં પાણીની આવક 1.47 લાખ ક્યુસેક છે અને જાવક 1.63 લાખ ક્યુસેક જેટલી નોંધાય છે. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા તાપી નદી તેના સપાટી ઉપર બંને કાંઠે વહી રહી છે.