Site icon Revoi.in

ગુજરાતમાં વાવાઝોડાને પગલે 169 તાલુકામાં વરસાદ, 3 દિવસ ભારે વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેર અને જિલ્લામાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. તેમજ ભારે પવન ફુંકાયો હતો આ ઉપરાંત અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ પણ વરસ્યો હતો. અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં થયેલા નુકશાનીને પગલે હાલ વહીવટી તંત્ર દ્વારા વિજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા સહિતની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.

બિપરજોય વાવાઝોડાના પગલે આગામી 3 દિવસ રાજયમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વાવાઝોડું પસાર થયા બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં પણ 3 દિવસ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  વાવાઝોડાને કારણે કચ્છના અંજાર,ભૂજ, ગાંધીધામ અને મુંદ્રામાં સીઝનનો  25 ટકા જેટલો વરસાદ વરસ્યો. પોરબંદર શહેર અન કુતીયાણામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. 24 કલાક બાદ સ્થિતિ સામાન્ય થઈ શકે છે.

દરમિયાન કચ્છના ગાંધીધામમાં 8 ઈંચ, ભુજમાં 6, માંડવીમાં 3, મુદ્રામાં 5 અને ઉપલેટામાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ચક્રવાતને કારણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વરસાદ વરસી શકે છે. IMDના જણાવ્યા અનુસાર તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ વરસાદ વરસી શકે છે.