Site icon Revoi.in

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 179 તાલુકામાં વરસાદ, ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરે ચાર વાગ્યા સુધીમાં 179 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામ તાલુકામાં 10 ઈંચ, વલસાડમાં 7 ઈંચ,ધરમપુરમાં 6 ઈંચ, ડાંગ-આહવામાં સાડા પાંચ ઈંચ, કપરાડામાં 5 ઈંચથી વધુ, તેમજ સાગબારા, રાજકોટ, ડેડિયાપાડા, વાંસદા, વઘઈ, રાજકોટના પડધરી, વાપી, અને પારડીમાં પણ 5 ઈંચ વરસાદ પડ્યો હતો,  ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે.  મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત આ જિલ્લાઓના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ આ સાતેય જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ,  પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધન અંગે પણ સૂચનાઓ આપી હતી. તેમજ વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં જરૂર જણાયે SDRF-NDRF ની ટીમની મદદ માટે પણ ખાતરી આપી હતી. વલસાડમાં ધોધમાર પડતાં ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતાં 300થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. તો તાલાલાની હિરણ અને સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી 3-3 સાઈક્લોનિકલ સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ બે ત્રણ દિવસથી રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ગઈકાલે સુરતના ઉમરપાડા 12 તથા વિજાપુરમાં લગભગ 8 ઈંચ સુધી વરસાદ ખાબક્યાં બાદ આજે વાપી-વલસાડનો વારો પડી ગયો છે. અત્યાર સુધીમાં વાપીમાં 13 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ સુરક્ષિત સ્થાનોએ ખસી જવાની ફરજ પડી હતી. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યું હતું.  નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતૂર બની છે. કાવેરી નદીનો જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતાં બીલીમોરા, ચીખલી અને ગણદેવીના કાંઠા વિસ્તારમાં કાવેરીનાં પાણી ફરી વળ્યાં છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોનાં ઘર સુધી પાણી પહોંચતાં લોકો પોતાનાં બાળકો અને જરૂરી સામાન ખભા પર ઊંચકી જાતે જ સલામત સ્થળે નીકળી ગયા હતા. વલસાડમાં ધોધમાર પડતાં ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતાં 300થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. તો તાલાલાની હિરણ અને સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યા છે.

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં શનિવારે રાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો છે, જે આજે રવિવારે બપોરે 4 વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ખેરગામ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે કાવેરી નદીનો જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યો છે, જેના કારણે બીલીમોરા, ચીખલી અને ગણદેવીના કાંઠા વિસ્તારમાં નદીનાં પાણી ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટમાં 5 ઈંચથી વધુ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદે લોકમેળાની રંગત પણ બગાડી હતી.