Site icon Revoi.in

ગુજરાતમાં આજે 191 તાલુકામાં વરસાદ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 191 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં  કચ્છના માંડવીમાં 11 ઈંચથી વધુ, મુન્દ્રામાં 8 ઈંચ, દ્વારકામાં 5 ઈંચથી વધુ, તથા અબડાસામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ગાંધીધામ, લોધીકા, લખપત, ભૂજ, ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. દરમિયાન હવામાન વિભાગે  દ્વારકા, જામનગર અને પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. કારણ કે, ડીપ ડિપ્રેશન આગળ વધીને નબળું પડ્યા બાદ ડિપ્રેશનમાં ફેરવાયું છે, પરંતુ તેની અસર હજુ પણ યથાવત્ રહેશે. જેથી આજે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.જોકે  આગામી 24થી 36 કલાકમાં ડિપ્રેશન પાકિસ્તાન તરફ આગળ વધી જશે અને ગુજરાત પર તેની અસર હળવી થતાં અતિભારેથી વરસાદમાંથી હાશકારો મળશે. એવું હવામાન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.

હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં જેમ કે, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સાથે મેઘગર્જના સહિત 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે , ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે વરસાદ દરમિયાન મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે. હજુ આજે પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.