અમદાવાદઃ ચક્રવાત બિપરજોયને કારણે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 200 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેથી અનેક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
કચ્છના અંજાર અને માંડવીમાં 9 ઈંચ તો ભચાઉ અને ભૂજમાં સાડા આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠાના વડગામ, ધાનેરા, દિયોદર, ભાભર, સુઈગામ, ડીસા, પાલનપુરમાં વરસાદ નોંધાયો છે. દ્વારકા, બનાસકાંઠા, રાજકોટ અને જામનગરમાં પણ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ, પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. બનાસકાંઠામાં 2 ઈંચથી 4 ઈંચ, સાબરકાંઠામાં પણ 2 થી 3 ઈંચનો વરસાદ પડ્યો હતો. જ્યારે પાટણમાં પણ ચાર ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન પ્રભાવિત થયું છે. ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ 41 થી 61 કિમી રહી શકે છે. તેમજ કચ્છ,અરવલ્લી, સુરેન્દ્રનગર,ગાંધીનગર, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
દરમિયાન ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના માતર ખાતે કુલ 37 મિ.મી. અને સૌથી ઓછો વરસાદ ગળેતશ્વતરમાં 2 મિ.મી. નોંધાયો હતો. જેમાં જિલ્લાના વિવિધ તાલુકામાં અનુક્રમે માતર ખાતે કુલ 37 મિ.મી, મહેમદાવાદ તાલુકામાં 27મિ.મી, મહુધામાં 25 અને ખેડામાં 25 મિ.મી., કઠલાલમાં 24 મિ.મી, નડિયાદમાં 19 મિ.મી, કપડવંજમાં 17 મિ.મી., વસોમાં 8 મિ.મી., ઠાસરામાં 3 મિ.મી. અને ગળતેશ્વરમાં 2 મિ.મી. વરસાદ નોંધાયો હતો. વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદમાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો.