Site icon Revoi.in

ગુજરાતમાં રવિવારે બપોર સુધીમાં 25 તાલુકામાં વરસાદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આજે રવિવારે બપોર સુધીમાં 25 તાલુકાઓમાં સામાન્ય વસાદ પડ્યો હતો જેમાં વાપીમાં એક ઈંચ તથા વલસાડ, નસવાડી, કપરાડા, ધરમપુર, ડભોઈ, ઉમરગાંવ, પાદરા સહિત 25 તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. તેમજ આજે રવિવારે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 71 તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો હતો.  રાજ્યમાં સીઝનનો સરેરાશ વરસાદ 126 ટકા નોંધાયો છે. જેમાં કચ્છમાં 183 ટકા,ઉત્તર ગુજરાતમાં 107 ટકા, મધ્ય ગુજરાતમાં 121 ટકા, સૌરાષ્ટ્રમાં 129 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 129 ટકા સીઝનનો સરેરાશ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં હવે મેઘરાજા વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી વરસાદના છૂટા-છવાયા ઝાપટાં પડી રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં કેટલાક દિવસના વિરામ પછી ગઈકાલે શનિવારે દિવસ દરમ્યાન છૂટાછવાયા ઝરમર વરસાદી ઝાપટા બાદ રાત્રે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.. જેનાં કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની સાથે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો હતો.

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી દીધી છે. તેમણે કહ્યું કે, રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતા 19 થી 22 સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે. 26 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે. આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા રહી શકે છે. 16 મી સપ્ટેમ્બરે બનેલી સિસ્ટમ 18 સપ્ટેમ્બર આસપાસ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધશે.

ચોમાસાના વિદાય અંગે અંબાલાલના કહેવા મુજબ આગામી 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે. જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ મોડું વિદાય લેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે