Site icon Revoi.in

ગુજરાતમાં 72 તાલુકામાં વરસાદ, વીજળી પડતા એક અને ઝાડ નીચે દબાતા 3ના મોત, કાર તણાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. આજે સોમવારે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 72 તાલુકામાં સામાન્ય ઝાપટાંથી લઈને  સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો જેમાં તાપી જિલ્લાના ડોલવણ અને વાલોડમાં સાડા ત્રણ ઈંચ, વલસાડના ધરમપુર, અમરેલીના બાબરામાં ત્રણ ઈંચ, તથા વલસાડના કપરાડા, ક્વાંટ, વગેરે તાલુકામાં બે ઈંચ, અને બાકીના તાલુકામાં ઝાપટાંથી લઈને  દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભરૂચમાં વૃક્ષ નીચે દબાઈ જતાં એક મહિલા સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતા. જ્યારે વડોદરામાં વીજળી પડતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં 12 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સોમવારે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન 72 તાલુકામાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, ભાવનગર સહિતના શહેરોના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતા, ભારે પવન ફુંકાતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની તેમજ વીજપુરવઠો ખોરવાયો હોવાની ઘટના બની હતી. ભરૂચમાં ભારે પવનથી ઝાડ પડતાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા.તેમજ  વડોદરામાં વીજળી પડતાં એકનું મોત થયું હતુ. જ્યારે અમરેલીના બાબરામાં 2 કલાકમાં  ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેમાં સ્થાનિક નદીમાં પૂર આવતાં સુખનાથ મંદિર પાસે બોલેરો ગાડી પાણીમાં તણાઈ હતી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે 4 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. ધરમપુર શહેરના મુખ્ય માર્ગો પર ભરાયા પાણી હતા.

ભારતીય હવામાન વિભાગે આગામી 10થી 13 જૂન સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રવિવારે શહેરમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી સાંજ અડાજણ, પાલ સહિતના વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. વડોદરાના અકોટા ગામ ખાતે મેદાનમાં બેઠેલા 56 વર્ષિય શંકરભાઈ મારવાડી પર વિજળી પડતા તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે ઝડપી પવનોના કારણે માંજલપુર અને આજવા રોડ ખાતે બે ઝાડ પડ્યાં હતાં.

ભાવનગર શહેર અને જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધૂળની ડમરી સાથે તોફાની પવન ફુંકાયો હતો અને ઉમરાળા, સિહોર, ભાવનગરનો અડધો વિસ્તાર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે આગામી દિવસોમાં ચોમાસાના આગમનના એંધાણ આપતો વરસાદ વરસ્યો હતો.