Site icon Revoi.in

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 81 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં 10 ઈંચ,

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 71 તાલુકામાં વરસાદ પડ્ય. હતો. જેમાં સુરતના ઉંમરપાડામાં ચાર કલાકમાં સાંબેલા ધારે 10 ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે નર્મદાના સાગબારા, નવસારીના ખેરગામમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ડેડિયાપાડા, દાહોદ,બારડોલી, પલસાણા, પાટણના સરસ્વતી, બનાસકાંઠાના ડીસા, વડગામ, અંબાજી સહિતના તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. અંબાજીમાં ભારે વરસાદથી બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી મંડાણ કર્યા છે. આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં 10 ઈંચ ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બે કલાકના ગાળામાં જ વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. અને અંડરપાસમાં પણ પાણી ભરાતાં વાહનો ફસાયાં હતાં. યાત્રાધામ અંબાજીમાં પણ સવારના સમયે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા. બનાસકાંઠાના ડીસામાં પણ ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. છોટા ઉદેપુર જિલ્લાના સરહદી એવા રજુવાંટ ખાતે કોઝવે ઉપરથી પસાર થતા ઓરસંગ નદીના ધસમસતા પ્રવાહમાં બાઈક સાથે એક ચાલક તણાઈ ગયો હતો. જેને સ્થાનિક લોકોએ પાણીમાં કૂદી જઈને બચાવી લીધો હતો.  ઉમરપાડામાં આજે સવારે વરસેલા ધોધમાર વરસાદના કારણે વેલાવીથી ડેડીયાપાડાને જોડતો રસ્તો ધોવાઈ જતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા.  ઉમરપાડામાં નદી પરનો લો લેવલ બ્રિજ પૂરના પાણીમાં ડૂબી જતા વાહનવ્યવહાર બંધ થયો હતો.

યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા અને ત્યાર બાદ વરસાદની શરૂઆત થઈ હતી.આજે દાંતા તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે ભારે વરસાદ વરસતા માર્ગો પર પાણી વહેતા થયા હતા. અંબાજીમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. જેના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો વેઠવી પડી હતી.  બનાસકાંઠા જિલ્લામાં હજી પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે. ત્યારે આજે સવારથી જ જિલ્લાના પાલનપુર, વડગામ, અમીરગઢ, ડીસા સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.

સુરતના ઉમરપાડામાં આજે સવારે ધોધમાર વરસાદ વરસતા કેવડી ગામ પાસેથી પસાર થતી મહુવન નદીમાં પૂર આવતા નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો. હાલ હાઈબેરલ બ્રિજની લગોલગ પાણી વહેતા જોવા મળી રહ્યા છે. ઉપરાંત સુરત જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. બારડોલીમાં ધોધમાર વરસાદ વરસતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા. જેમાં એક કારચાલક ફસાતા ફાયરબ્રિગેડની ટીમે પાણીમાં ફસાયેલી કારને બહાર કાઢી હતી.