અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની વાજતે-ગાજતે પધરામણી બાદ જોર ધીમુ પડી ગયું છે. આજે ગુરૂવારે વલસાડના વાપી, સુરતના બારડોલી, અને વલસાડમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યમાં દર વર્ષે 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. પરંતુ, આ વર્ષે 4 દિવસ અગાઉ એટલે કે 11 જૂનથી જ મેઘરાજાનું આગમન થયુ છે. હવામાન વિભાગે ગુરૂવારે 16થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. પણ આજે દક્ષિણ ગુજરાતના ત્રણ કે ચાર સ્થળોએ વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. જોકે વરસાદ અને વાદળછાંયા વાતાવરણને લીધે ગરમીમાં ઘટાડો થયો છે. પણ બફારાએ લોકોને અકળાવી મુક્યા છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે ગુરૂવારે વલસાડ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેને લઈને શાકભાજી માર્કેટમાં વેપાર કરતા વેપારીઓએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો. ગુરૂવારે સવારે 6થી 10 દરમિયાન વલસાડ તાલુકામાં 16 MM વરસાદ નોંધાયો હતો. વલસાડની શાકભાજી માર્કેટ અને APMCમાં કેરીના વેપારીઓ કેરી બચાવવા માટે પ્લાસ્ટિક અને તાંડપત્રી વડે કેરી અને શાકભાજી બચાવવાની નોબત આવી હતી. અચાનક વરસાદ પડતા શાકભાજીના વેપારીઓ અને કેરી માર્કેટના વેપારીઓને ભારે હાલાકી પડી હતી.
હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનના 90-95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડી શકે છે. જેમાં 9 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે, 17 દિવસ મધ્યમ અને 12 દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસાની સિઝન દરમિયાન કચ્છમાં 456 મી.મી., પૂર્વ ગુજરાતમાં 806 મિ.મી., ઉત્તર ગુજરાતમાં 720 મિ.મી., સૌરાષ્ટ્રમાં 717 મિ.મી. અને દક્ષિણ ગુજરાતમાં 1476 મિ.મી. સરેરાશ વરસાદ પડતો હોય છે ત્યારે આ વર્ષે પણ ચોમાસામાં સારો વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગે આજે ગુરૂવારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે.